ઇઝરાયલી સૈનિકોએ ગાઝાના ઇઝરાયલી નાકાબંધીમાં ફસાયેલા પેલેસ્ટિનિયનો માટે માનવતાવાદી સહાય લઈ જતો એક મોટો ફ્લોટિલા કબજે કર્યો છે. આ ફ્લોટિલામાં ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને ઘણા યુરોપિયન સાંસદો પણ હતા અને તેમને ઇઝરાયલ લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની દેશનિકાલ પ્રક્રિયા શરૂ થશે. ઇઝરાયલી વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે થનબર્ગ અને યુરોપિયન સાંસદો સુરક્ષિત છે.
ગાઝાના નાગરિકો માટે માનવતાવાદી સહાય લઈ જતું આ જહાજ, ગાઝાની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતી વખતે ઇઝરાયલી નૌકાદળે કબજે કરી લીધું હતું. ઇઝરાયલી મરીન જહાજમાં ચઢી ગયા હતા અને ડઝનબંધ યુરોપિયન કાર્યકરોની અટકાયત કરી હતી. ‘ધ ગ્લોબલ સુમુદ ફ્લોટિલા’ નામના આ કાફલામાં લગભગ 50 નાના જહાજો હતા જેમાં લગભગ 500 લોકો હતા. આ કાફલામાં ગાઝામાં ફસાયેલા પેલેસ્ટિનિયનો માટે ખોરાક અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જવામાં આવી રહી હતી
જ્યારે જહાજ કબજે કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીમાં જોરદાર હવાઈ હુમલો કર્યો. આ ઇઝરાયલી હુમલાઓ અને ગોળીબારમાં ઓછામાં ઓછા 57 પેલેસ્ટિનિયનો માર્યા ગયા. ઇઝરાયલે આ હુમલો એવા સમયે કર્યો જ્યારે હમાસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલ શાંતિ યોજના પર કોઈ નિર્ણય લીધો નથી. ટ્રમ્પની યોજના હેઠળ, હમાસે તમામ 48 બંધકોને પરત કરવા પડશે, જેના બદલામાં ઇઝરાયલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. લડાઈ સમાપ્ત કરવાના બદલામાં, હમાસે ગાઝામાં સત્તા છોડી દેવી પડશે અને નિઃશસ્ત્ર કરવું પડશે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે, પરંતુ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાનો કોઈ ઉલ્લેખ નથી.
પેલેસ્ટિનિયનો પણ યુદ્ધનો અંત ઇચ્છે છે, પરંતુ ઘણા લોકો માને છે કે ટ્રમ્પની શાંતિ યોજના ઇઝરાયલની તરફેણ કરે છે. હમાસના એક અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે દરખાસ્તની કેટલીક શરતો અસ્વીકાર્ય છે, જોકે તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી. કતાર અને ઇજિપ્ત જેવા મધ્યસ્થી દેશોએ પણ કહ્યું હતું કે કેટલાક મુદ્દાઓ પર વધુ વાટાઘાટોની જરૂર છે. ગાઝામાં નાસેર હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી ગોળીબારમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા.

