પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટર નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના સિંચાઈના પાણીનો દુરુપયોગ કરી રહ્યો છે. માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, તેમ છતાં સરકારી પાણીની ચોરી કરવામાં આવી રહી છે. નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે 24 કલાક સિંચાઈનું પાણી છોડવામાં આવે છે. કેનાલમાંથી થતી આ પાણી ચોરીને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ઘણા ખેડૂતોને પૂરતું પાણી ન મળતા મુશ્કેલીનો અનુભવ થાય છે.
મહત્વની વાત એ છે કે, નર્મદા વિભાગ પાસેથી કોઈ મંજૂરી લીધા વિના પાણીની ચોરી થઈ રહી હોવા છતાં, વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે આ મામલે નર્મદા વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

