તાલુકા પંચાયતના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે પાર્ટનરશીપ કરતા હોવાના ગંભીર આક્ષેપો
શેગ્રીગેસન શેડ અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કામમાં ગુણવત્તાવાળું કામ થાય એવી લોક માંગ
લાખણી તાલુકામાં સ્વચ્છ ભારત મિશન દ્વારા ગ્રામ પંચાયતોમાં કરવામાં આવતા સ્વચ્છતા અને વિકાસના કામોમાં કોન્ટ્રાકરો સાથે આ વિભાગના લાખણીના અધિકારીઓ ભાગીદારી કરતા હોવાની રાવ ઉઠી છે. વર્ષ 2024-25 માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખણી તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં શેગ્રીગેશન શેડ અને કંપોશપીટ મંજૂર કરવામાં આવ્યા હતા. જેના ભાગ રૂપે તાલુકાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં કામ કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક પંચાયતોમાં સરપંચ તલાટીને વાતમાં રાખી અધિકારીઓએ કોન્ટ્રાકટર સાથે ટકાવારી અને પાર્ટનરશીપ કરી હલકી ગુણવત્તાવાળા કામ કરવામાં આવ્યા હતા. જે કામ અત્યારે જોવા જઈએ તો એક વર્ષના ટૂંકા ગાળામાં ખખડેલી હાલતમાં નજરે પડી રહ્યા છે. ત્યારે વર્ષ 2025- 26 માટે મંજૂર થયેલા શેગ્રીગેશન શેડ અને ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કામમાં તાલુકા વિકાસ અધિકારી એસ્ટીમેન્ટ મુજબ સારી ગુણવત્તા વાળું કામ કરાવે એવી લોક માંગ ઉઠી છે.
અધિકારીઓ કોન્ટ્રાકટર બની જાય ત્યારે કામની ગુણવત્તા સામે સવાલો; સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામ કરવામાં આવે છે. જેમાં જે તે વિભાગના અધિકારીઓને એસ્ટીમેન્ટ મુજબ યોગ્ય ગુણવત્તા વાળી કામગીરી થાય એની જવાબદારી હોય છે. ત્યારે અધિકારી જ કોન્ટ્રાક્ટર બની જાય તો કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે અને વધુ કમાવવાની લાલચમાં એસ્ટીમેન્ટમાં દર્શાવ્યાથી હલકી ગુણવત્તા વાળી કામગીરી કરી કાગળ ઉપર યોગ્ય કામગીરી બતાવી બારોબાર બિલ ઉઠાવી લેવામાં આવતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
તાલુકા વિકાસ અધિકારી લાલ આંખ કરે; લાખણી વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરવામાં આવતા કામો પંચાયત હસ્તક કરાવી કામગીરી યોગ્ય ગુણવત્તા વાળી કરવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારી પાસે લોકો આશા રાખી રહ્યા છે.