સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિકાસની ગ્રાન્ટો ફાળવવા છતાં ગામડાઓની સ્થિતિ જૈસે થે
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ગેરરિતીને લઈ અનેક સવાલો ઉઠયા છે. વિવિધ ગ્રામ પંચાયતોમાં વ્યાપકપણે થયેલ ગેરરીતી સામે અરજદારો દ્વારા લેખિત રજૂઆતો કરવા છતાં તપાસનીશ અધિકારીઓની મિલીભગતના કારણે ગેરરિતી આચરનારાઓ ભયમુક્ત બની રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારની આબરૂ ધૂળધાણી થઈ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા ગામડાઓમાં રોડ, રસ્તા, ગટર તેમજ સફાઈ બાબતે વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. જોકે વડગામ તાલુકાની પંચાયતમાં સરપંચ, તલાટી દ્વારા ગેરરિતી આદરી આખે ઓખી ગ્રાન્ટની રકમ ચાઉં કરી દેવામાં આવે છે. આ બાબતે અરજદારો દ્વારા તાલુકા પંચાયતથી માંડી છેક ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવામાં આવવા છતાં તપાસનીશ અધિકારી ઓ દ્વારા તપાસના નામે તીકકડમ કરી પત્રમ પુષ્પમ કરી ગેરરીતીને છાવરી રહ્યા છે.
જેના કારણે સરકારની યોજનાઓના લાભથી છેવાડાનો નાગરિક વંચીત રહે છે. તપાનીશ અધિકારીઓ ગેરરિતી અચારનારાઓને છાવતા રાજ્ય સરકાર બદનામ થાય છે. ભ્રષ્ટ અધિકારીઓ તેમજ પંચાયત શાસકોના કારણે ભાજપ સરકારના ભય ગેરરીતીમુક્ત ગુજરાતનો નારો વડગામમાં ભયમુક્ત ગેરરિતી બની ગઈ છે. જિલ્લા કલેક્ટર તેમજ વિકાસ અધિકારી તપાસોમાં વેગ આવે અને કસુરદારોને કાયદાનું ભાન કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તપાસમાં વિલંબ કરતા અધિકારી સામે કાર્યવાહીની માંગ; વડગામ તાલુકામાં આવેલ પંચાયતો વિરુદ્ધ ગેરરીતીની લેખિત રજૂઆતોની તપાસ કરતા તપાનીશ અધિકારી સમય મર્યાદામાં તપાસ પુરી કરી કસૂરદારો સામે પગલા ભરે તેવી માંગ સાથે ગેરરીતીને છાવતા અધિકારીઓ સામે પગલા ભરવા માંગ ઉઠવા પામી છે.
સ્થાનિક તલાટીઓને તાલુકા બહાર મુકવા માંગ; વડગામ તાલુકામાં ૮૫ જેટલી ગ્રામ પંચાયતો કાર્યરત છે. જેમાં મોટાભાગની પંચાયતોમાં તલાટી તરીકે સ્થાનિકો ફરજ નિભાવી રહ્યા હતા. જેના કારણે પંચાયતી વહીવટમાં મનમાની કરી લોકોને પરેશાન કરી રહ્યા છે. તેમજ ભ્રષ્ટાચાર કરવા સાથે ગેરહાજર રહે છે. સરકાર ન્યાયિક વહીવટ થાય તે હેતુને ધ્યાને લઇ તાલુકા ફેર તલાટીઓની નિમણુંક કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વિસ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની અગ્નિપરીક્ષા; વડગામ તાલુકામાં વિસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે પેટાચૂંટણી આગામી તા.૨૨મી જૂને યોજાવવા જઈ રહી છે. આ વખતે ચૂંટણીમાં લોકો ઈમાનદાર તેમજ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવા કટીબદ્ધ બન્યા છે. જાણવા મળતી માહિતી મુજબ ફ્રેશ ચહેરાની પહેલી પસંદગી થશે. જ્યારે ગેરરિતી કરનારાઓ તેમજ તેમના ટેકેદારોને જાકારો મળી રહ્યો છે.