ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે CSKના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે રમાશે. એક મેચના પ્રતિબંધને કારણે, હાર્દિક પંડ્યા આ મેચમાં રમશે નહીં અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરશે. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સ ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં રમશે. આ મેચ જીતીને, બંને ટીમો આ સિઝનની શરૂઆત જીત સાથે કરવા માંગશે. હાર્દિક પંડ્યાની સાથે, જસપ્રીત બુમરાહ પણ આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં, આ બે ખેલાડીઓની ગેરહાજરીમાં મુંબઈ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે
સૂર્યકુમાર યાદવ પાસે મુંબઈ ઇન્ડિયન્સ માટે 3000 આઈપીએલ રન પૂરા કરવાની શાનદાર તક હશે. ચેન્નાઈ સામેની મેચમાં ૧૪ રન બનાવતાની સાથે જ તે ૩૦૦૦ રનનો આંકડો પાર કરી લેશે. આ રીતે, તે આઈપીએલ ના ઇતિહાસમાં 3000 રન બનાવનાર મુંબઈનો ત્રીજો ખેલાડી બનશે. અત્યાર સુધી મુંબઈ માટે આઈપીએલમાં ફક્ત 2 બેટ્સમેન 3000 થી વધુ રન બનાવી શક્યા છે. જેમાં રોહિત શર્મા અને કિરોન પોલાર્ડનો સમાવેશ થાય છે. રોહિતે મુંબઈ માટે આઈપીએલ માં 208 ઇનિંગ્સમાં 5458 રન બનાવ્યા છે.
ચેન્નાઈની ઓપનિંગની વાત કરીએ તો, ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અથવા ડેવોન કોનવે ઓપનિંગની જવાબદારી લઈ શકે છે. મિડલ ઓર્ડરમાં રાહુલ ત્રિપાઠી, શિવમ દુબે, દીપક હુડા અને વિજય શંકર બેટિંગ ઓર્ડરને મજબૂત બનાવશે, જ્યારે ડેથ ઓવરોમાં ધોની અને જાડેજા ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે.