ગુજરાતમાં હેલ્થ કેમ્પના નામે બે લોકોના જીવ લઈ લોકોના જીવ સાથે રમત રમનાર ખ્યાતી હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં હોસ્પિટલના સીઈઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ સામે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓએ થોડા દિવસોમાં 13 અલગ-અલગ ગામોમાં ધામા નાખ્યા હતા અને પીડિતોની શોધખોળ કરી હતી. હાલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવનાર લોકોની સંખ્યાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરની છ ટીમો દ્વારા હોસ્પિટલ સ્ટાફ અને આ કૌભાંડનો ભોગ બનેલા લોકોના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં દસ્તાવેજો બહાર આવ્યા
ખ્યાતી હોસ્પિટલમાં, એન્જીયોપ્લાસ્ટી કરાવતા દર્દીઓના રેકોર્ડના મોટાભાગે કાચા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા જેથી તેઓ ગમે ત્યારે છેડછાડ કરી શકે. તેનું એક મોટું કારણ એ છે કે ઘણા દર્દીઓના નામ પણ નકલી છે. આ સિવાય ઘણી વખત દર્દીઓને કોઈ સમસ્યા ન હોવા છતાં તેમના નામ સાથે અન્ય કોઈનો રિપોર્ટ ઉમેરી તેમની કાર્યવાહી કરવામાં આવતી હતી.