કેન્દ્રે ઓક્ટો.થી ડિસેમ્બર ૨૦૨૫ માટે વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો
કેન્દ્ર સરકારે પોસ્ટ સહિતની નાની બચત યોજનાઓ પરના ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ના ત્રિમાસ માટે વ્યાજ દરની જાહેરાત મંગળવારે કરી હતી. દિવાળી પૂર્વે તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે. પોસ્ટ બચત, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ), રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી), કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દર સ્થિર રહેશે.
પોસ્ટ તથા બેન્કો દ્વારા સંચાલિત મોટાભાગની બચત યોજનાઓ પર છેલ્લા ઘણા ત્રિમાસથી વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. છેલ્લે ૨૦૨૩-૨૪ના ચોથા ત્રિમાસિક ગાળામાં કેટલીક બચતો પરના વ્યાજ દરમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૩૦ સપ્ટેમ્બરે સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ નાની બચત યોજનાઓ પર આગામી ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ સુધીના ગાળામાં વ્યાજ દરમાં બદલાવ કરાયો નથી. જેને પગલે પીપીએફ પરનો વ્યાજ દર ૭.૧ ટકા, એનએસસીનો વ્યાજ દર ૭.૭ ટકા રહેશે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજના તથા સુકન્યા સમૃદ્ધિ યોજના બંને પર ત્રિમાસમાં ૮.૨ ટકાના દરે વ્યાજ ચુકવવામાં આવશે. એક વર્ષ સુધી ફિક્સ્ડ ડીપોઝિટ પર ૬.૯૦ ટકા વ્યાજ રહેશે જ્યારે પાંચ વર્ષની એફડી પર ૭.૫૦ ટકા વ્યાજ મળશે.

