સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વાપરતા કરોડો યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેટા માલિકીની કંપની ઇન્સ્ટાગ્રામ આગામી 8 મે 2026 થી તેના પ્લેટફોર્મ પરથી ‘એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન’ (End-to-End Encryption) ફીચર હટાવવા જઈ રહી છે. આ નિર્ણયને કારણે યુઝર્સની અંગત ચેટ અને ડેટાની સુરક્ષા પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અત્યાર સુધી એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શનને કારણે યુઝરની વાતો જે-તે વ્યક્તિ સિવાય ત્રીજું કોઈ (કંપની પોતે પણ) વાંચી શકતું નહોતું. પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ કંપની જરૂર પડ્યે યુઝર્સના ડેટા અને ચેટ પર નજર રાખી શકશે. ટેક નિષ્ણાતોના મતે, આ ફેરફારથી યુઝર્સની પ્રાઇવસી જોખમાશે અને ડેટા લીક થવાની શક્યતાઓ વધી જશે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ માહિતી કે સંવેદનશીલ વિગતો શેર કરતા હોવ, તો 8 મે પહેલા સાવચેત થઈ જવું અનિવાર્ય છે.

