પાલનપુર આરટીઓ કચેરી ખાતે આજે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ઘંટનાદ કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં ઇન્સ્પેક્ટરોની મુખ્ય માંગો પ્રમોશન, પ્રોબેશન, ઉચ્ચ પગાર ધોરણ મેળવવું,બદલી તેમજ નનામી અરજીઓ પર પગલાં ન લેવા સહિતના મુદ્દાને લઇ ઘંટનાદ કાર્યક્રમ યોજાયો હતો.
બનાસકાંઠા આરટીઓ કચેરીમાં અંદાજિત 50 કરતાં વધુ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવે છે.અને તેઓ સતત સરકારના ધ્યાન ખેંચવા વિવિધ આંદોલનો કરી પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે.ગુરુવારે વિરોધ દરમિયાન ઇન્સ્પેક્ટરો ઘંટનાદ વગાડી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરટીઓ કચેરી ખાતે છેલ્લા કેટલાય દિવસોથી જુદાજુદા સમયે જુદા જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે.હાલમાં આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા તંત્ર દ્વારા તેમનો અવાજ સાંભળી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.