ભારતીય સેનામાં મહિલાઓના સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક કદમ : હરિયાણાના લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી ભારતના રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી (Aide-de-Camp) તરીકે નિયુક્ત થયા છે. સાથે જ તેઓ ભારતીય નૌકાદળમાંથી ગૌરવપૂર્ણ જવાબદારી સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. આ નિમણૂક ભારતીય સેનામાં મહિલાઓના સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક કદમ છે.
એડીસીનું પદ રાષ્ટ્રપતિના સૌથી નજીકના સૈન્ય સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે, જે રાષ્ટ્રપ્રમુખ સાથે દૈનિક ધોરણે વિવિધ સત્તાવાર સમારોહ, બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં હાજર રહે છે. આ પદ માટે અત્યંત સજાગતા, સન્માન અને કર્તવ્યનિષ્ઠા જરૂરી છે. લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી ૨૦૧૨માં ભારતીય નૌકાદળમાં જોડાયા હતા. અને તેમણે લોજિસ્ટિક્સ શાખામાં ઉત્કષ્ટ સેવાઓ આપી છે. તેમની સખત મહેનત, અનુશાસન અને નેતળત્વ ક્ષમતાએ તેમને આ સિદ્ધિ સુધી પહોંચાડ્યા છે.
આ નિમણૂક માત્ર લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી માટે જ નહીં, પરંતુ ભારતીય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે, જેઓ સંરક્ષણ દળોમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જુએ છે. આ ઘટનાએ એ સંદેશ આપ્યો છે કે મહિલાઓ પણ વર્દી પહેરીને સર્વોચ્ચ પદો સુધી પહોંચી શકે છે. આ નિમણૂક ભારતીય સંરક્ષણ દળોમાં લિંગ સમાનતા અને સમાવેશીતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.