પોલીસ દ્વારા ૨ ઈસમોની અટકાયત; બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને આખોલ ચાર રસ્તા પાસે બાતમી મળી હતી કે એક સફેદ કેરી ટેમ્પો અને સીએનજી ઓટો રિક્ષામાં દારૂનો જથ્થો ધાનેરાથી ડીસા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ડીસા-ધાનેરા રોડ પર ગલાલપુરા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. વાહનોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 294 બોટલો અને પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત 1,12,648 રૂપિયા છે. પોલીસે દારૂનો જથ્થો, વાહનો અને મોબાઈલ મળી કુલ 3,22,648 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના સાંતરૂ ગામના બે આરોપીઓ પ્રવીણભાઈ અને ઓમપ્રકાશ મોહનલાલ બિશ્નોઈને પકડી પાડ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ શિશુપાલ રાજુરામ બિશ્નોઈએ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના સૂચન મુજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડીસા રૂરલ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

