ભારતીય મહિલા ટીમે વડોદરામાં રમાયેલી પ્રથમ ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે કુલ 314 રન બનાવ્યા હતા. આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. ભારતે 211 રને જીત મેળવી, જે મહિલા ODI ક્રિકેટમાં તેની બીજી સૌથી મોટી જીત છે. સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ અને રેણુકા સિંહે મેચમાં ભારત માટે સારૂ પ્રદર્શન કર્યું હતું અને આ ખેલાડીઓના કારણે જ ટીમ જીતવામાં સફળ રહી હતી.
સ્મૃતિ મંધાના અને નવોદિત પ્રતિક રાવલે (40 રન) પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. આ પછી મંધાના તેની સદી ચૂકી ગઈ અને તેણે કુલ 91 રન બનાવ્યા. હરલીનના બેટથી 44 રન બનાવ્યા. ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ભારતીય ટીમને મોટો સ્કોર કરવા માટે સારો પાયો નાખ્યો હતો. આ પછી હરમનપ્રીતે માત્ર 23 બોલમાં 34 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તે મહિલા વનડે ક્રિકેટમાં હજાર રન પૂરા કરનાર બીજી ભારતીય કેપ્ટન બની ગઈ છે. તેના પહેલા મિતાલી રાજે મહિલા વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે કુલ 5319 રન બનાવ્યા હતા.