વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદહસ્તે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડીંગ, અદ્યતન ઓપરેશન થિયેટર્સ અને સિટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું હતું.
જનરલ હોસ્પિટલ, પાલનપુર ખાતે રૂ.૫૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બ્લોક સી,ડી અને એફ બનાવવામાં આવ્યો છે. સાત માળની આ બિલ્ડીંગમાં પાંચ અધ્યતન ઓપરેશન થિયેટર, કાર્ડિયો સીટી સ્કેન મશીન, તમામ રોગની ઓપીડી, બ્લડ બેન્ક, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડેમો રૂમ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ઋષિકેશભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
કોઈપણ વ્યક્તિ તબીબી સેવાઓના અભાવે જીવ ના ગુમાવે તેવા ઉદ્દેશ્ય સાથે બનાસ મેડિકલ કોલેજ દ્વારા જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. આજે આ હોસ્પિટલ ખાતે કુલ ૮૦૦ બેડ, ૪ એક્સરે મશીન, ૪ સોનોગ્રાફી મશીન, કુલ ૧૧ ઓપરેશન થિયેટર, ૮૦૦ બેડ પર સેન્ટ્રલ ઓક્સિજનની ઉપલબ્ધિ, ૪ પીએસ એ ઓક્સિજન પ્લાન્ટ, ૧૦ મેટ્રિક ટન ઓક્સિજન ટેન્ક, ૨૫૦ થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ ઓફિસર, ૨૮૦ થી વધુ નર્સિંગ સ્ટાફ, ૨૨૦ થી વધુ આરોગ્ય સહાયક અને કર્મચારીઓ, ૪૦ થી વધુ વેન્ટિલેટર્સ, ૧૦૦ થી વધુ મલ્ટીપેરા મોનીટર, ૩૭ આઈ.સી.યુ બેડ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. મહિના દરમિયાન હોસ્પિટલ ખાતે ચોવીસ કલાક ટ્રોમા સેન્ટર, મેમોગ્રાફી વાન, ૧૬ એનઆઈસીયુ બેડ, દર મહિને ૮૦ હજારથી વધુ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ પ્રેઝન્ટેશન રુપે મહાનુભાવોને હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે અવગત કરાવ્યા હતા.