ડીસાના પાલનપુર હાઇવે પર આવેલ જોખમ નગર સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ગટર રોડ અને સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા થી પરેશાન થઈ ચૂક્યા છે. વોટ લેવા આવતા નેતાઓ ચૂંટણી સમયે આપેલા વચન બાદ કાંઇ કાર્ય કરતા નથી તેમ જણાવી મહિલાઓ આકરા પાણીએ જોવા મળી હતી. ડીસાના જોખમ નગરમાં હજુ સુધી ગટર વ્યવસ્થા કરવામાં આવેલી નથી. જેના કારણે ગંદા પાણીની રેલમ છેલ થતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્ય થતું નથી. તેમજ નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો વોટ લેવા ગટર અને રસ્તાનું કામ ઝડપથી થઈ જશે તેવી બાહેધરી આપે છે.
પરંતુ ચૂંટણી બાદ કોઈ દેખાતું નથી તેવો બળાપો રહીશો ઠાલવી રહ્યા છે. આ બાબતે તેઓએ ધારાસભ્ય પ્રવીણ માળીને પણ રજૂઆત કરેલી છે પરંતુ હજુ સુધી ગટર કે રસ્તા બાબતના કંઈ ઠેકાણા પડ્યા નથી. આ બાબતે સોસાયટીના રહીશ કાંતિભાઈ ઠક્કર તેમજ મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે નેતાઓ વોટ લેવા આવી જાય છે પરંતુ લોકોની સમસ્યાઓ હલ કરતા નથી.અમે ઘણા સમયથી રજૂઆત કરેલી છે દરેક વખતે આશ્વાસન અપાય છે આથી જો હવે અમારી સમસ્યા હાલ નહીં થાય તો આગામી ચૂંટણી વખતે કોઈને અમે પ્રવેશવા દઈશું નહીં અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.