24 ફેબ્રુઆરી થી 3 માર્ચ દરમિયાન હોળાષ્ટક હોવાના કારણે ધુળેટી સુધી શુભ કાર્યો કરવા અશુભ મનાશે
હોળાષ્ટક કમુરતા દરમિયાન ધાર્મિક કાર્ય સહિત પુજાપાઠ થઈ શકે છે : જ્યોતિષ
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય પહેલાં શુભ મુહૂર્ત જોવાનું વિશેષ મહત્વ રહેલું છે. ફાગણ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થતા હોળાષ્ટક એવો જ એક સમયગાળો છે, જેમાં માંગલિક અને શુભ કાર્યો પર વિરામ રાખવાની પરંપરા છે. પંચાંગ મુજબ વર્ષ 2026માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ 3 માર્ચ સુધી રહેશે
હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ છે. ફાગણ પૂર્ણિમા, એટલે કે 3 માર્ચે હોલીકા દહન કરવામાં આવશે, જ્યારે 4 માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવાશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર હોળાષ્ટક દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ, નવા ધંધા-રોજગારની શરૂઆત, સગાઈ જેવા શુભ કાર્યો કરવા માં આવતા નથી જોકે આ સમયગાળા દરમિયાન પૂજાપાઠ અને ધાર્મિક કાર્યક્રમો કરી શકાય છે આગામી મંગળવાર થી હોળાષ્ટક શરૂ થતા લગ્નસરાની મૌસમ પર પણ અસર જોવા મળશે. બજારોમાં છેલ્લા દિવસોમાં લગ્નપ્રસંગોને લઈ ચહલપહલ જોવા મળી રહી હતી, પરંતુ હવે આઠ દિવસ સુધી માંગલિક કાર્યો સ્થગિત થતા વેપાર પર પણ અસર પડી શકે છે.
આઠ દીવસના હોળાષ્ટક આવતા શુભ અને માંગલિક કાર્ય ઉપર બ્રેક લાગશે
વર્ષ 2026માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ 3 માર્ચ સુધી રહેશે. ફાગણ શુક્લ અષ્ટમીથી પૂર્ણિમા સુધીનો આ સમયગાળો જ હોળાષ્ટક તરીકે ઓળખાય છે. 3 માર્ચે સાંજે હોલીકા દહન કરવામાં આવશે અને 4 માર્ચે રંગોત્સવ ધૂળેટી ઉજવાશે. એક ધાર્મિક માન્યતા મુજબ આ સમય દરમિયાન શુભ અને માંગલિક કાર્યો થતા નથી લોકો આ દિવસોમાં ભક્તિ, જપ-તપ અને પૂજાપાઠમાં સમય પસાર કરતા હોય છે.
હોલીકા દહનની વિશેષ લોકવાયકા રહેલી છે
હોલીકા દહન પાછળ પ્રચલિત કથા મુજબ રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડાવવા માટે ત્રાસ આપ્યો હતો. અંતે તેની બહેન હોલીકાએ પ્રહલાદને અગ્નિમાં બેસાડી દહન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રહલાદ ભગવાનની કૃપાથી બચી ગયા અને હોલીકા દહન પામી. આ ઘટનાની યાદમાં હોલીકા દહન કરવામાં આવે છે જેથી હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો ટાળવાની પરંપરા છે.
હોળાષ્ટક દરમિયાન શું ટાળવુ જોઇએ
જ્યોતિષ મુજબ હોળાષ્ટક દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ જેવા માંગલિક કાર્યો ન કરવા જોઈએ. ઉપરાંત નવા વાહન, સોનું-ચાંદી અથવા કિંમતી વસ્તુઓની ખરીદી ટાળવી યોગ્ય ગણાય છે. નવા મકાનનું બાંધકામ કે નવો વ્યવસાય શરૂ કરવો પણ અશુભ માનવામાં આવે છે. હોળાષ્ટક પૂર્ણ થયા બાદ જ આવા કાર્યો કરવાનું શુભ માનવામાં આવે છે.
હોળાષ્ટકની અસર બજારો પર પડી શકે છે
હોળાષ્ટક શરૂ થતાં લગ્નસરાની સિઝનમાં અચાનક વિરામ આવશે. છેલ્લા દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં લગ્નપ્રસંગોને કારણે બજારોમાં ખાસ ચહલપહલ જોવા મળી રહી હતી. પરંતુ હોળાષ્ટક દરમિયાન માંગલિક કાર્યો ન થતાં કપડાં, આભૂષણ અને સજાવટના વેપારમાં થોડી મંદી જોવા મળી શકે છે. વેપારીઓ હવે હોળી અને ધૂળેટી બાદ ફરી તેજી આવવાની આશા રાખી રહ્યા છે.

