સુરતના ઇચ્છાપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ઘરેલુ ઝઘડામાં પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવા અને સળગતી વખતે તેનો વીડિયો બનાવવાના આરોપમાં પોલીસે પતિની ધરપકડ કરી છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. દરમિયાન, બિહારના છાપરા જિલ્લામાં રહેતા પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી પ્રતિમા દેવીના લગ્ન લગભગ 11 વર્ષ પહેલા રણજીત સાહ સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી, આરોપી પતિ નાની નાની બાબતોમાં ઝઘડો, મારપીટ અને માનસિક ત્રાસ આપતો હતો.
ફરિયાદ મુજબ, પતિ-પત્ની વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પતિએ તેણીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. આ ઉશ્કેરણી બાદ, પ્રતિમા દેવીએ પોતાની જાત પર ડીઝલ છાંટીને દિવાસળી સળગાવી દીધી, જેના કારણે તેણી ગંભીર રીતે દાઝી ગઈ. સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે તેની પત્ની સળગતી રહી છતાં, પતિએ તેણીને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં અને ફિલ્માંકન ચાલુ રાખ્યું. ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું.
સુરતના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સુરતના ઇચ્છાપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 85 અને 108 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. 4 જાન્યુઆરીએ મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થયો હતો. પતિએ તેને “મરવા” કહ્યું હતું, જેનાથી તેણીને દુઃખ થયું હતું. ગુસ્સામાં પત્નીએ પોતાના પર ડીઝલ રેડ્યું અને માચીસ સળગાવીને પોતાને બાળી નાખવાનો પ્રયાસ કર્યો. 11 જાન્યુઆરીએ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું. મહિલાના પરિવારના સભ્યોની ફરિયાદના આધારે, અમે પતિની ધરપકડ કરી છે.
એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે ૧૩ વર્ષના લગ્નજીવન દરમિયાન આ દંપતીને ત્રણ બાળકો છે. એવો આરોપ છે કે પતિએ મહિલા પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને તેને મરવા માટે આગ્રહ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ૪ તારીખે પતિએ મહિલા પર હુમલો કર્યો હતો અને તેને મરવાનું કહ્યું હતું. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પતિ મહિલાનું ડીઝલથી સળગાવતી વખતે ફિલ્મ બનાવી રહ્યો હતો

