પાટણ મા લગ્નના નામે છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન અને તેના ૮ સાગરિતોને પાટણ કોર્ટે રૂ. ૧૦-૧૦ હજારની ડિપોઝીટ અને રૂ. ૫ હજારના જામીન પર મુક્ત કયૉ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સુત્રો તરફથી મળતી માહિતી મુજબ તા.૩૦ માર્ચ ૨૦૨૪ ના રોજ પાટણના યુવક સાથે ઉજ્જૈનની નેહા ઉર્ફે સપના મોહનલાલ ભાટિયાના લગ્ન આરોપીઓએ રૂ.૩.૬૦ લાખ લઈને કરાવ્યા હતા. લગ્નના માત્ર ૨૦ દિવસ બાદ નેહા તેના પરિવારજનો સાથે પિયર ગઈ અને પરત ન ફરતા આ મામલે ફરિયાદ નોંધાતા કેસના મુખ્ય આરોપી નેહા ઉર્ફે સપના, તેની માતા સુનિતાબેન અને ભાઈ સાગર ઉર્ફે બંટી ભાટિયા ઉપરાંત નિર્મલ મોહનરામ, વિશાલ કૈલાસભાઈ યાદવ,વિજય સીતારામ,રાહુલ મુરલીપાલ અને જયપ્રકાશ ભાટિયાને પોલીસે તાજેતરમાં જ આ તમામની ધરપકડ કરી હતી.જે દરમ્યાન મુખ્ય ત્રણ આરોપીઓના રિમાન્ડ પૂરા થયા બાદ તેમણે જામીન અરજી મૂકી હતી, જ્યારે અન્ય પાંચ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા.
ત્યારે આરોપીઓના વકીલ સચિન નિમાવતની દલીલો ધ્યાને લઈને કોર્ટે તમામને જામીન આપ્યા છે. કોર્ટે આરોપીઓને કેટલીક શરતોને આધીન જામીન આપ્યા છે અને દરેક પાસેથી રૂ.૫ હજાર નો જાત મુચરકો પણ લીધો છે. પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટના જજ એફ.બી પઠાણે તમામ ૮ આરોપીઓને રૂ.૧૦ ની રોકડ ડિપોઝિટ અને રૂ.૫ હજારના જામીન પર મુક્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.