ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારા 20867 લોકોને રૂપિયા 1,45,37000 નો દંડ; પાલનપુર નેત્રમ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩ કરોડ ૮૩ લાખથી વધુના ઈ- ચલણ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા લોકોને એક કરોડથી વધુનો મેમો આપી નેત્રમ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. સાથે 52 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં પણ નેત્રમના કેમેરા દ્વારા પોલીસને સફળતા મળી છે.
પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે નેત્રમ પોલીસ દ્વારા કેમેરા લગાવી સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને નેત્રમ પોલીસ દ્વારા 3 કરોડ ૮૩ લાખથી વધુના ઈ મેમો આપવામાં આવ્યા છે. જોકે આ ઈ મેમોમાં સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા 20,867 વાહન ચાલકોને એક કરોડથી વધુની રકમના ઈ-ચલણ મેમો નેત્રમ પોલીસે ફટકાર્યા છે.
છેલ્લા એક વર્ષમાં ત્રણ કરોડ 83 લાખથી વધુના ઈ મેમો આપી 10,641 મેમોની ભરપાઈ કરાવી 84,8,300 ની રકમ નેત્રમ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવી છે. એટલું જ નહીં, નેત્રમ પોલીસ દ્વારા પાલનપુર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. પાલનપુર શહેરમાં અપહરણ, લૂંટ, અકસ્માત, ગુમ માલસામાન સહિતના 52 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં પણ નેત્રમ પોલીસના કેમેરાની મહત્વની ભૂમિકા રહી છે. શહેરમાં બનેલા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલીને 63 લાખ 62,658 નો મુદ્દામાલ નેત્રમ પોલીસની મદદથી જ કબજે કરવામાં આવ્યો છે.
ગુનાનું પ્રમાણ ઘટ્યું : જિલ્લા પોલીસ વડા
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં દરેકે વિસ્તાર તેમજ મુખ્ય રોડ રસ્તા ઉપર નેત્રમ દ્વારા કેમેરા લગાવી સતત નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સહિત ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપનારા અસામાજિક તત્વો ઉપર પણ નેત્રમ પોલીસ બાજ નજર રાખી રહી છે .નેત્રમ પોલીસની સફળ કામગીરીના કારણે જ આજે પાલનપુર શહેરમાં ગુન્હાઓનું પ્રમાણ ખૂબ જ ઘટયુ છે.


