આગામી ૧૪ જૂન ૨૦૨૫ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય “સિંદૂર વન” કાર્યક્રમ યોજાવાનો છે. આ પ્રસંગે ૧૦૦૮ બહેનો દ્વારા સિંદૂર વૃક્ષનું એકસાથે વૃક્ષારોપણ કરવામાં આવશે, જે શૌર્ય, આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે “સિંદૂર વન”નું નિર્માણ કરાશે.
કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, “સિંદૂર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી, પણ તે શૌર્ય, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરે છે. તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે કલેક્ટર દ્વારા સબંધિત અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, વન સંરક્ષક ચિરાગ અમીન, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.