જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી: ડીસામાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ,પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાલકોને ચોકલેટ-ગુલાબ આપીને માર્ગદર્શન અપાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા શહેરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓ અને ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા રાજમંદિર સર્કલ, દીપક હોટલ સર્કલ, જલારામ સર્કલ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસની ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ.ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં હેલ્મેટ નહી પહેરનાર, શીટ બેલ્ટ નહી પહેરનાર તેમજ ટ્રાફિક નીયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકોમાં ટ્રાફિક નીયમન અંગેની જાગ્રુતિ આવે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વાહન અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવા તેમજ શીટ બેલ્ટ બાંધવાથી થતા ફાયદા અંગેની સમજણ આપવામાં આવી હતી.આ ઉપરાંત ઉતરાયણનો તહેવાર આવી રહ્યો હોવાથી ટુવહીલર વાહનો ઉપર સેફટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા.