જિલ્લાભરમાં દારૂના સેવન માટે 335 લોકો કાયદેસર હેલ્થ ડ્રીંક પરમીટ ધરાવે છે.
વિવિધ પરમીટ ધરાવતા લોકોને નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પાંચ પ્રકારના લીકરની પરમીટ: બનાસકાંઠા જિલ્લામાં દારૂની રેલમછેલ વચ્ચે 335 લોકો કાયદેસર ડ્રીંક પરમીટ ધરાવે છે ત્યારે ‘હુઈ મહંગી બહુત શરાબ કે થોડી થોડી પિયા કરો….’મનહર ઉઘાસની આ જાણીતી ગઝલના શબ્દો હાલ લિકર પરમીટના અરજદારોને બરાબર લાગુ પડે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરહદી બનાસકાંઠા જિલ્લામાં 335 લોકો દારૂના સેવન માટે લિકર પરમિટ ધરાવે છે. જોકે સ્વાસ્થ્ય સહિતની કેટેગરીમાં આવતા અરજદારોને સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પરમીટ આપવામાં આવે છે.જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામા અંદાજે 114 લોકોએ નવા પરમિટ મેળવ્યા છે.
બનાસકાંઠા સહિત ગુજરાતમાં દારૂના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને કોઈ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તો તેની સામે ફોજદારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી બાજુ સરકાર દ્વારા લોકોને તણાવ, અનિદ્રા સહિતની ગંભીર બીમારીમાં દારૂના સેવન માટે હેલ્થ પરમિટ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ અંદાજે 335 લોકો પાસે દારૂના પરમિટ છે જેમાં વર્ષ 2022-23 માં 31 વર્ષ 2023-24 માં 48 અને વર્ષ 2024-25 માં 35 મળી છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 114 અરજદારોને દારૂના પરમીટ આપવામાં આવ્યા છે. આ પરમીટમાં મોટાભાગના હેલ્થ પરમિટનો સમાવેશ થાય છે. હેલ્થ પરમીટ સ્વાસ્થ્યને આધારે દવા તરીકે જરૂરી હોય તેવી વ્યક્તિને ઓથોરાઈઝડ ડોકટરના પ્રમાણપત્રના આધારે પરમિટ અપાય છે.
હંગામી પરમીટમાં કામચલાઉ-ટુરિસ્ટમાં એક મહિના સુધી,રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ જ્યારે ગ્રૂપ પરમિટમાં વિદેશી નાગરિકને કોન્ફરન્સ માટે પરમિટ આપવામાં આવે છે તેમજ મેડિકલમાં જરૂર હોય તેવી વ્યક્તિને તત્કાલ પરમિટ આપવા પણ જોગવાઇ છે. તેમ નશાબંધી અને આબકારી વિભાગે જણાવી જિલ્લામા વર્ષ 2023-24માં સૌથી વધુ 48 અરજદારોને પરમીટ આપવામાં આવ્યા હતા અને આ સમય ગાળામાં 165 પરમીટને રીન્યુ કરવામાં આવેલ હોવાનું પણ ઉમેર્યું હતું.
પરમીટ ધરાવતાં લોકોને દારૂ ખરીદવા અન્ય જિલ્લામાં જવું પડે છે; બનાસકાંઠા જિલ્લામાં દારૂના સેવન માટે કુલ 335 લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી છે પણ જિલ્લામાં એક પણ સરકાર માન્ય પરમીટ શોપ નથી.જેથી પરમીટ ધારકોએ પણ અન્ય જિલ્લામાં એટલે કે મહેસાણા કે અમદાવાદ સુધી દારૂ ખરીદવા લાંબા થવું પડે છે.તેમ પરમીટ ધારકોએ જણાવ્યું હતું.