તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ શનિવારે તેમના 90મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ ધર્મશાલાના મેકલિયોડગંજ સ્થિત મુખ્ય મંદિર ત્સુગલાગખાંગ ખાતે એક ખાસ પ્રાર્થના સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, તેમણે તેમના સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય અંગેની અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમને અવલોકિતેશ્વર (કરુણાના બૌદ્ધ દેવતા) ના આશીર્વાદ છે અને તેઓ આગામી 30-40 વર્ષ સુધી લોકોની સેવા કરવા માંગે છે.
સમારોહમાં હાજર ૧૫,૦૦૦ થી વધુ ભક્તોને સંબોધતા દલાઈ લામાએ કહ્યું, “મને ઘણા સંકેતો મળ્યા છે કે અવલોકિતેશ્વરના આશીર્વાદ મારી સાથે છે. મેં અત્યાર સુધી મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે અને મને આશા છે કે હું ૩૦-૪૦ વર્ષ વધુ જીવીશ. મને તમારા આશીર્વાદનું ફળ મળ્યું છે.” તેમણે એમ પણ કહ્યું કે બાળપણથી જ તેમને લાગતું હતું કે અવલોકિતેશ્વર સાથે તેમનો ઊંડો સંબંધ છે. હસતાં હસતાં તેમણે કહ્યું, “હું ૧૩૦ વર્ષથી વધુ જીવવા માંગુ છું જેથી હું બૌદ્ધ ધર્મ અને તિબેટના લોકોની વધુ સેવા કરી શકું.”