મહારાષ્ટ્રના બુલઢાણામાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. બુધવારે સવારે પૂર્વ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં બસ અને સ્પોર્ટ્સ યુટિલિટી વાહન (SUV) વચ્ચે ટક્કર થતાં પાંચ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે 24 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઘાયલોની ખામગાંવની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
બસમાં ફસાઈ ગયો ડ્રાઈવર
ખામગાંવ-શેગાંવ હાઇવે પર સવારે લગભગ 5.30 વાગ્યે એક ઝડપી ગતિએ આવતી બોલેરો કાર મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ સાથે અથડાઈ હતી. આ પછી તરત જ, એક ખાનગી બસે બંને વાહનોને ટક્કર મારી. ખાનગી બસના આગળના કેબિનને ભારે નુકસાન થયું છે. ક્ષતિગ્રસ્ત ભાગમાંથી ડ્રાઇવરને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોના ટૂકડા થઈ ગયા હતા. હાલમાં, મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર હાજર છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.