સ્વ.ગલબાભાઈ પટેલે ભગવાન મહાવીર સ્વામીની અહિંસક દિવ્યવાણીને પોતાના જીવનમાં સાર્થક કરી હતી…

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જીવનનું પૂર્ણવિરામ મૂકાય છે ત્યાંથી નવા જીવનની શરૂઆત થાય છે. જેવી રીતે દરિયામાં ભરતી અને ઓટ આવે છે તેવી રીતે માણસની જિંદગીમાં ચઢાવ- ઉતાર આવતા હોય છે. ગણિતના સરવાળા-બાદબાકીના   દાખલામાં જેવી પ્રકિયા છે તેવી જ રીતે મનુષ્યના જીવનમાં ફેરફાર થતાં હોય છે. જયારે જીવનનાં દુઃખોમાં પૂર્ણવિરામ મૂકાઈ જાય છે એ પછી સુખરૂપી નવા જીવન-પ્રકાશનો ઉદય થાય છે. તેનો પ્રકાશ ગમે તેવી આંધીયો સામે ટકીને રહે છે. એવી રીતે ગલબાભાઈ પટેલે પોતાના જીવનને સાર્થક કરવા માટે સતત સકારાત્મક પ્રયત્નો કર્યા છે. તેમણે વિવિધ પ્રકારના વ્યવસાય કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી છતાં ગલબાભાઈ પટેલ ખૂબ જ બુદ્ધિશાળી હતા. તેઓને ભેંસો પારખવામાં રસ કેળવ્યો હતો. ગલબાભાઈ પટેલ એકવાર ભેંસોને જોઈ લે તો તેની સાચી ઓળખ કરી લેતા હતા.
દેશ આઝાદ થયો ન હતો. આઝાદીની ચળવળ પૂરા જોશમાં હતી. ભેંસોને પારખવાનો વ્યવસાય કરતાં-કરતાં તેમનું લક્ષ મુંબઈ તરફ ગયું હતું. ત્યાં બનાસકાંઠામાં આવેલ છાપીના મુમનભાઈઓ પણ માયાવી નગરી મુંબઈમાં રહેતા હતાં. તેઓએ ભેંસોનો કોઠો બનાવ્યો હતો. પછી ગલબાભાઈ પટેલે પણ વિચાર્યું કે જો મુંબઈમાં પણ ભેંસોનો કોઠો બનાવવામાં આવે તો પોતે સફળ થઇ શકે તેમ છે. ગલબાભાઈ પટેલ મુંબઈ ગયા અને ત્યાં જઈને ભેંસોનો કોઠો બનાવ્યો અને દૂધ વેચવાની  શરૂઆત કરી. શું આજની બનાસ ડેરીની નાની પરિકલ્પના ૧૯૪૦માં ગલબાભાઈ પટેલે મુંબઈમાં સર્જી 
હતી ? શું ત્યાં ગલબાભાઈએ બનાસ ડેરીનું  નિર્માણ કરવામાં માટેનું સાચું સ્વરૂપ જોવું હશે ? શું બનાસ ડેરી સ્થાપવાનો વિચાર ત્યાંથી જડ્‌યો હશે ? તેવા અનેક સવાલો મનમાં ઉદભવે છે. વિચારશક્તિ એ માનવીમાં રહેલી અમૂલ્ય શક્તિ છે. મહેનત એ જ તમામ સમસ્યાનો ઉકેલ છે એવું ગલબાભાઈ પટેલના  જીવનમાં દેખાઈ આવે છે. દૂધના વ્યવસાયમાં નિષ્ફળ નીવડ્‌યા હતાં પણ દૂધના વ્યવસાયથી ગલબાભાઈ પટેલના જીવનમાં પરિવર્તન  આવ્યું હતું અને જીવનના નવા પાઠ પણ  શીખવા મળ્યા હતા.
ભેંસોના કોઠાને કારણે તેઓ જીવદયાની મંડળીના સંપર્કમાં આવ્યા હતા અને તેના લીધે પશુધન માટે અપાર લાગણી જન્મી હતી. પશુઓને કોઈ પ્રકારની ઈજા પહોંચે તે તેમને સ્હેજ પણ પસંદ ન હતું. ગલબાભાઈ પટેલ અહિંસાના પૂજારી હતા અને કોઈ જીવને દુઃખ પહોંચાડવું તે તેઓના સ્વભાવમાં ન હતું. માનવીય અભિગમ ધરાવનાર ગલબાભાઈ પટેલમાં માનવતા, જીવદયાના ગુણો રહેલા હતા. 
માયાવી નગરી મુંબઈમાં કોઠામાં વિશાળ સંખ્યામાં ભેંસો રાખવામાં આવતી હતી, પરંતુ જે ભેંસો ઓછું દૂધ આપતી હતી તેઓને કતલખાને મોકલી દેવામાં આવતી હતી. ગલબાભાઈ પટેલ તો અહિંસાના  ઉપાસક હતા અને દર વર્ષે  સેંકડો ભેંસો કતલખાને જઈને વધેરાઈ જતી હતી. તેના લીધે ગલબાભાઈ પટેલનો જીવ ખૂબ બળતો હતો. શું ભેંસોમાં જીવ નહીં હોય ? શું તેના જીવને પીડા થતી નહીં હોય ? આવા  સવાલો ગલબાભાઈના મન થઇ રહ્યા હતાં. દૂધ ન આપતી ભેંસોને રાખવી પણ  કઈ જગ્યાએ રાખવી તેવા  પ્રશ્નો ઉદભવી  રહ્યા હતા.  દૂધ ન આપતી ભેંસોને જીવદયા મંડળી બચાવી લેતી હતી. 
જીવદયા મંડળીનો એક માત્ર ઉદેશ્ય હતો કે દૂધ ન અપાતી ભેંસો કતલખાના  સુધી જવી જોઈએ નહીં. ગલબાભાઈ પટેલ જીવદયા મંડળીના સંપર્કમાં આવ્યા ત્યારબાદ તેમણે જીવદયા મંડળીની સાથે નક્કી કરી દીધું કે દૂધ ન આપતી ભેંસોને ગામડે લઇ જવાની જવાબદારી સ્વીકારી લીધી હતી.
મુંબઈમાં પણ ગલબાભાઈ ખાસ કોઈ સફળતા મેળવી શક્યા નહીં અને તેઓ વતન પરત ફર્યા. તેમણે છાપીમાં આવીને જીવદયા મંડળીની સ્થાપના કરી. મુંબઈની જીવદયા મંડળીની ભેંસોને ટ્રેઈનમાં છાપી મોકલવામાં આવતી અને ગલબાભાઈ મુંબઈથી ભેંસોની ડીલીવરી સ્ટેશનથી મેળવીને ભેંસોને છાપીના આસપાસ ગામોમાં મોકલી દેવામાં આવતી હતી. ખેડૂતોને પણ  જીવદયા મંડળી દ્વારા ભેંસોને ચરાઈ પેટે પૈસા આપવામાં આવતા અને ભેંસો ફરી પાછી ચરીને સશક્ત થાય ત્યાં સુધીનો વહીવટ જીવદયા મંડળીને નામે ગલબાભાઈ કરતા હતા. દર વર્ષે  લગભગ ૬૦૦ થી ૭૦૦ ભેંસો છાપી સ્ટેશને ઊતરતી હતી. ગલાબભાઈ પટેલે ત્રણ વર્ષ જીવદયાનું કામ કર્યું હતું.
ગલબાભાઈ પટેલ જીવદયાના ઉપાસક નીવડયા હતા. જાણે ધર્મગ્રંથના તમામ ઉપદેશ  ગ્રહણ કરીં લીધા હોય તેવી રીતે જીવન વિસ્તાર્યું હતું. દરેક માનવીને જીવદયા રાખવી જોઈએ. આપણા ધર્મશાસ્ત્રમાં  પણ   જીવદયા ઉચ્ચકોટીની ગણવામાં આવી છે. મહાવીર સ્વામીએ પોતાની વાણીમાં  માનવસમુદાયને  ઉપયોગી થાય તેવી  વાત મૂકી છે તેને ગલબાભાઈએ સાર્થક કરી છે.   

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.