મોડી રાત્રે કાર નીચે લટકતી લાશ જોઈ લોકોએ પોલીસને જાણ કરતા ડ્રાઈવરની અટકાયત કરાઈ

મોડી રાત્રે વલસાડમાં ઉમરાગામના સંજાણ નજીક એક કાર નીચે લટકતી લાશ મળી આવી હતી. લોકોએ લાશને લટકતી જોઈને પોલીસને જાણ કરતા કારના ડ્રાઈવર અને સવારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડ્રાઈવરને લાશ કોની છે અને કાર નીચે કેવી રીતે આવી તેની જાણ ન હતી. દરમિયાન તપાસમાં જણાયું હતું કે, મહારાષ્ટ્રના આમ ગામ નજીક ફેટલ અકસ્માત થયો હતો. દરમિયાન તેમની કાર ત્યાંથી પસાર થતા લાશ કારની નીચે ફસાઈ ગઈ હતી. અને સંજાણ સુધી ઢસડાઈ હતી.
 
મળતી માહિતી પ્રમાણે વલસાડના સંજાણ નજીક મહારાષ્ટ્રની પાર્સિંગ ધરાવતી ઈનોવા કાર(MH-05-DB-6105) નીચે લાશ કોઈક રીતે કારમાં ફંસાઈ જતા ઘસડાતા સંજાણ સુધી પહોંચી ગઈ હતી. કાર મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશી સંજાણ પહોંચી હતી. જ્યાં રેલવે ફાટક બંધ હોવાથી કાર સંજાણ ફાટક પર ઉભી રહી હતી. કાર નીચે લટકતી લાશને જોઈ લોકોએ કારને અટકાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કાર નીચે ફસાયેલી હાલતમાં અડધી લાશ મળી આવી હતી. જ્યારે કમરથી નીચેનો ભાગ ગુમ હતો. પોલીસે કાર ડ્રાઈવરની અટક કરી તેની પૂછપરછ કરતા તે આ ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
 
પોલીસ ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવરે જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના તલાસરી ખાતે આવેલા સાવલી ગામે સીરિયલના શુટીંગ માટે ગયા હતા. અને ત્યાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા. કારમાં ડ્રાઈવર સાથે સાત મહિલાઓ પણ સવાર હતી. જે મહિલાઓ સીરિયલમાં કામ કરે છે. જેથી ઘટનાની તપાસ અર્થે ઉમરગામ પોલીસે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા આમ ગામ નજીક ફેટલ અકસ્માત થયો હતો. દરમિયાન કાર પસાર થતા અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિનો મૃતદેહ આ ગાડી નીચે કોઈક રીતે ફસાઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે હવે ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ તપાસ કરી રહી છે. અને કારના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.