વાવમાં ફરી શરૂ થયો તીડનો આતંક

બનાસકાંઠા
બનાસકાંઠા

 
       વાવ પંથકમાં ફરી તીડનું ઝુંડ દેખાતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. તીડના ઝુંડ દેખાતાં ઉભા પાક પર ફરી ખતરો મંડરાઇ રહ્યો છે. તો તાલુકાના અમુક ગામોમાં ખેડુતોએ ટ્રેક્ટર ઉપર ડ્રમ લગાવી જાતે તીડો ઉપર દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તીડ આક્રમણને લઇ હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારની તીડ નિયંત્રની ટીમો તીડગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી તીડનો નાશ કરવાની કામગીરી હાથ ધરશે.
 
      બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના રાધાનેસડા, કુંડાળીયા અને બોર્ડર વિસ્તારમાં ફરી તીડના ઝુંડ દેખાતાં ખેડુતો મુંઝાયા છે. આ તરફ કુંડાળીયામાં તો ખેડુતોને જાતે પોતાના ઉભો પાક બચાવવા કામગીરી હાથ ધરી છે. ખેડુતો દ્રારા તીડનો નાશ કરવા ટ્રેક્ટર ઉપર ડ્રમ લગાવી જાતે દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે નડાબેડ ઝીરો પોઇન્ટ નજીક પણ તીડના ઝુંડો જોવા મળતાં ઉભા પાક પર ફરી ખતરો મંડરાઇ રહ્યો છે. પાલનપુર તાલુકાના વસણા ગામના ખેડૂતો સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે, સરકાર કોઈપણ રીતે તીડનું નિયંત્રણ કરે જેના કારણે તીડ જિલ્લામાં પ્રવેશે નહિ અને ખેડૂતો પાયમાલ થતા બચી શકે.
 
       સુત્રોએ જણાવ્યુ હતુ કે, તીડનો આતંક ફરી શરૂ થતાં ખેડૂતોમાં ભય ફેલાયો છે. આ તરફ ખેતીવાડી અધિકારીઓ પણ દોડતા થયા છે. અધિકારીઓએ કહ્યું હતું કે, મોટાભાગના તીડ પાકિસ્તાન તરફ જતા રહ્યા છે. પરંતુ થોડા બચેલા તીડ છે તેને ઝડપી નિયંત્રણ કરી લેવાશે. નોંધનિય છે કે, થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ૧૭ દિવસ સુધી તીડોએ આતંક મચાવી ૧૩ તાલુકાઓના ૧૧૪ જેટલા ગામડાઓમાં તરખાટ મચાવ્યો હતો. ખેડૂતોના ખેતરમાં ઉભેલો એરંડા, દાડમ, જીરું, રાયડા તેમજ અન્ય રવિ પાકનો સફાયો બોલાવ્યો હતો. જેમાં તીડોએ ૫૮૪૨ ખેડૂતોની ૧૨,૧૦૯ હેક્ટર જમીનમાં નુકશાન કર્યું હતું. આ દિવસોમાં તીડનો નાશ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૧૭ ટીમોએ દવાનો છંટકાવ કરીને તીડોનો નાશ કર્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.