ડીસાના લાયન્સ હોલમાં હવે દરરોજ નજીવા દરે ‘રાજરોગ' નું નિદાન કરાશે

રખેવાળ ન્યુઝ ડીસા : વિશ્વસ્તરે કાર્યરત જાણીતી સેવાભાવી સંસ્થા લાયન્સ કલબ દ્વારા ગુરુવારે વિશ્વ ડાયાબીટીસ દિવસની સાર્થક ઉજવણી કરાઈ હતી. આ દિન વિશેષની ઉજવણી અંતર્ગત લાયન્સ કલબની તમામ શાખાઓ દ્વારા ગુરૂવારે ડાયાબીટીસ નિદાન કેમ્પોનું આયોજન કરાયું હતું. તદ્દઅનુસાર લાયન્સ કલબની ડીસા શાખા દ્વારા ગતરોજ ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલ ડાયાબીટીસ નિદાન કેમ્પને પણ અનપેક્ષિત સફળતા      સાંપડી હતી.
ગતરોજ સવારે ડીસા લાયન્સ હોલ ખાતે યોજાયેલ નિદાન કેમ્પને લાયન્સ ડિસ્ટ્રીકટ ૩૨૩-બી ના સેકન્ડ વાઇસ ગવર્નર અને ડીસાના ગૌરવસમા ઉદ્યોગપતિ લાયન જગદીશભાઈ અગ્રવાલના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તજજ્ઞોએ નગરના ૧૦૦ થી વધુ દર્દીઓનું આધુનિક ઉપકરણો વડે નિદાન કરી જરૂરી સલાહ પુરી પાડી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ડાયાબિટીસ પીડિત દર્દીઓએ પણ લાયન્સ કલબના આ સતકાર્યની મુક્તકંઠે સરાહના કરી હતી. લાયન્સ કલબની ડીસા શાખાના ઉત્સાહી પ્રમુખ ડો. ભરતભાઈ મકવાણા અને યુવા સેક્રેટરી લાયન નરેશભાઇ શેઠ સહિત લાયન્સ પરિવારના અન્ય અગ્રણીઓ અને સભ્યોની સક્રિય જાહેમતથી સફળ રીતે સંપન્ન થયેલા આ નિદાન કેમ્પનું ડિસ્ટ્રીકટ ગવર્નર જગદીશભાઈ અગ્રવાલે બારીકાઈથી નિરીક્ષણ કરી 'ટીમ ડીસા' ની જહેમતને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે આજના ધમાલિયા યુગમાં બદલાતી જતી જીવનશૈલી ડાયાબીટીસ સહિત અન્ય રોગોને ઉઘાડું આમંત્રણ આપી રહી છે અને ડાયાબીટીસ લકવો, હાર્ટ એટેક તેમજ ગેંગરીન જેવી દર્દનાક બીમારીઓનું પણ ઉદગમસ્થાન મનાય છે ત્યારે ડીસા શહેર તેમજ આજુબાજુના રહીશો નજીવા દરે ડાયાબીટીસનું સમયસર નિદાન કરાવી સારવાર શરૂ કરાવી શકે તેવા ઉમદા આશયથી લાયન્સ કલબ ઓફ ડીસા દ્વારા ડીસા લાયન્સ હોલ ખાતે કાયમી ધોરણે ડાયાબિટીસ નિદાન કેન્દ્રનો પણ શુભારંભ કરાયો છે. આ નિદાન કેન્દ્ર પર દરરોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી એકદમ નજીવા દરે દર્દીઓનું નિદાન કરી જરૂરી સલાહ પુરી પડાશે. તદ ઉપરાંત નગરજનો રાજરોગ મનાતા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસની બીમારીથી બચી શકે તે હેતુથી લાયન્સ કલબ ઓફ ડીસાના ઉત્સાહી પ્રમુખ અને જાણીતા ફીઝીશીયન ડાpp.ભરતભાઈ મકવાણાએ ભારે જહેમત ઉઠાવી તૈયાર કરેલ ઉપયોગી માહિતી સાથેની બુકલેટનું પણ લાયન્સ કલબના સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર જગદીશભાઈ અગ્રવાલના વરદ હસ્તે વિમોચન કરાયું હતું. ગતરોજ યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે નગરના પ્રતિષ્ઠિત તબીબો ડો.નવીનભાઈ શાહ, ડો.સી.કે.પટેલ, ડો.ચંપકભાઈ ઝાલમોરા, ડો.એસ.ટી.કોટક, પ્રગતિ અભિવાદન ગ્રુપના લલિતભાઈ દોશી, પંકજભાઈ શાહ, ડીસા કેમિસ્ટ એશો.ના હોદ્દેદારો તેમજ લાયન્સ કલબ ઓફ ડીસાના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો સહિત સંસ્થાના સભ્યો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની સફળતાના સાક્ષી બન્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.