રાજસ્થાનમાં ગુજરાતની એસ.ટી.બસમાં ૮૩ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

રાજસ્થાન પોલીસે ૮૩ લાખના ઘરેણાં ભરેલા પાર્સલની લૂંટનો ભેદ ઉકેલી દઈ છ શખ્સોને ઝડપી લઈ લૂંટમાં ગયેલ  મુદ્દામાલ રિકવર કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આવી મહત્વની સફળતા મેળવનાર પોલીસની કામગીરીની સરાહના થઈ રહી છે.
 
ગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસ મથકના વિસ્તારમાં હાઇવે પર રોકાયેલી ગુજરાત એસ.ટી.નિગમની બસમાં બેઠેલા કુરિયર કંપનીના કર્મચારીઓ પાસેથી ૮૩ લાખના ઘરેણાં ભરેલા પાર્સલની લૂંટ ચલાવવાના ચકચારી કેસનો ભેદ ઉકેલી દઈ રાજસ્થાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી લીધા છે.ગત ૨૧ મી જૂનના રોજ રાજસ્થાનના સ્વરૂપગંજ નજીકના ધનારી ગામ નજીક હાઇવે રોડ પર આવેલી હોટલ પર રોકાયેલી ગુજરાતની એસ.ટી.બસમાં બેઠેલા કુરિયર કંપનીના બે કર્મચારીઓ પાસેથી ૮૩ લાખના દાગીના ભરેલા પાર્સલની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.આ સનસનીખેજ ઘટના સંદર્ભે સ્વરૂપગંજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ સિરોહીના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી.નારાયણસિંહ રાજપુરોહિત,માઉન્ટ આબુ પોલીસ મથકના પ્રવીણ સેન તેમજ સ્વરૂપગંજના પીએસઆઇ શિવરાજસિંહ ભાટીએ આ મામલે ઊંડી તપાસ હાથ ધરી બાતમીના આધારે આ લૂંટકેસમાં સંડોવાયેલા રાજુસિંહ જેઠુસિંહ, રાજુસિંહ છેલસિંહ, સંજયસિંહ નરપતસિંહ, શ્રવણસિંહ શંભુસિંહ, સુખદેવસિંહ રામસિંહ અને રતનલાલ માંગીલાલ એમ કુલ છ આરોપીઓને આબાદ રીતે ઝડપી લઈ લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.આ કેસમાં પોલીસના સકંજામાં આવી ગયેલા તમામ આરોપીઓ પશ્ચિમી રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.