અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આવતીકાલે કેસરિયો ખેસ ધારણ કરશે

તા.૧૭: ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ બાદ જ અલ્પેશ ઠાકોરે શરુ કરેલા રાજકીય ડ્રામાનો આવતીકાલે અંત આવી જશે. કોંગ્રેસમાં બળવો કર્યા બાદ રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા ગુરુવારે ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસ છોડનારા આ બંને પૂર્વ ધારાસભ્યો બપોરે ૪ વાગ્યાની આસપાસ કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરવાના છે. અલ્પેશ અને ધવલસિંહના ભાજપમાં જોડાવા ટાણે જીતુ વાદ્યાણી સહિત ભાજપના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પક્ષ તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશને મંત્રી બનાવાય છે કે કેમ તેના પર પણ સૌની નજર છે. અત્યાર સુધી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા સહિતના નેતાઓને રાતોરાત મંત્રી બનાવી દેવાયા છે. ત્યારે અલ્પેશને ભાજપમાં આવું કોઈ મહત્વ મળે છે કે કેમ તે જોવાનું રહેશે. રાધનપુર બેઠક ખાલી કરનારા અલ્પેશ ફરી આ જ બેઠક પરથી ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી લડશે કે પછી ભાજપે તેમના માટે અન્ય કોઈ રણનીતિ બનાવી રાખી છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પોતાનું સમ્માન નથી જળવાતું, કોંગ્રેસ વિચારધારા વિનાની પાર્ટી છે જેવા આક્ષેપો કરીને થોડા સમય પહેલા જ પોતે કોંગ્રેસ છોડી રહ્યા હોવાનું એલાન કર્યું હતું. જોકે, રાજયસભાની ચૂંટણી હોવાના કારણે અલ્પેશે પોતાનું ધારાસભ્ય નહોતું છોડ્યું. બીજી તરફ, કોંગ્રેસે અલ્પેશ વિરુદ્ઘ હાઈકોર્ટમાં પિટિશન કરતાં અલ્પેશે પોતે કોંગ્રેસ છોડી જ નથી તેવું સોગંદનામું કરી સૌને ચોંકાવી દીધા હતા. જોકે, રાજયસભા ચૂંટણી પૂરી થતાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ તરત જ રાજીનામાં આપી દીધાં હતાં, જેને સ્પીકર દ્વારા તાત્કાલિક સ્વીકારી પણ લેવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પૂરી થયાના થોડા જ દિવસમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડે છે તેવી અટકળો શરુ થઈ હતી. જોકે, અલ્પેશે હંમેશા આ વાતને અફવા ગણાવી હતી, અને ભાજપ દ્વારા આવી અફવા ફેલાવાય છે તેવા નિવેદનો આપ્યા હતા. અલ્પેશ રાહુલના ખાસ ગણાતા હતા, અને તેમને બિહારના સહ-પ્રભારી પણ બનાવાયા હતા. થોડા સમય પહેલા ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા થવા પર અલ્પેશ ઠાકોરે કરેલી ઉશ્કેરણી જવાબદાર હોવાનો પણ જે-તે સમયે ભાજપ દ્વારા આડકતરી રીતે આક્ષેપ કરાયો હતો, અને ત્યારે પણ અલ્પેશે ભાજપ પર પ્રહારો કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.