પાટણ આંગડિયા લૂંટ કેસમાં 5 આરોપીની અટકાયત, 9 ફરાર

અઠવાડિયા અગાઉ પાટણના રેલવે ગરનાળા પાસે ધોળેદહાડે રિવોલ્વરની અણીએ આંગડિયા પાસેથી રૂ.6.64 લાખની લૂંટમાં પાટણ પોલીસે એક વર્ષ અગાઉ મહેસાણા વોટરપાર્ક પાસે બસને હાઇજેક કરી આંગડિયાને લૂંટી લેનાર ખેરાલુના કુખ્યાત નિયાઝખાન પઠાણ સહિત પાંચ શખ્સોને હીરા અને રોકડ મળી રૂ.2.21 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે. આ લૂંટમાં કુલ 14 શખ્સોની સંડોવણી બહાર આવી છે, જેમાં ચાર મુંબઈના છે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે આ લૂંટનો પર્દાફાશ કર્યો છે. લૂંટ કરીને ભાગી રહેલા શખ્સોને રોકવા પીએસઆઇએ પ્રયત્ન કરતાં તેમના ઉપર ફાયરિંગ કર્યાની હકીકત પણ સામે આવી છે.
 
લુટારુઓને પકડવા એસપી શોભા ભૂતડાની સૂચનાથી એલસીબી પીએસઆઇ વાય.કે. ઝાલા અને બી ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ આર.જી. ચૌધરી તેમજ તેમની ટીમોએ સતત ત્રણ દિવસ સુધી શહેરના એન્ટ્રી અને એક્ઝિટના તેમજ જિલ્લા બહારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. દરમિયાન, પોલીસને બાતમી મળી કે, અગાઉ મહેસાણા જિલ્લામાં થયેલી આંગડિયા લૂંટમાં સંડોવાયેલો ખેરાલુનો નિયાઝખાન પઠાણ બનાવના દિવસે પાટણમાં હતો.
જેને પગલે પોલીસે સિદ્ધપુર રસુલ તળાવ અહમદપુરા ફાતડાચાલીમાંથી ખેરાલુના નિયાઝ ખાન હયાતખાન પઠાણ, રમઝુશા ઈબ્રાહીમશા ફકીર અને કડવાસણના અંકિત બળદેવભાઈ પ્રજાપતિને પકડી લીધા હતા. પોલીસે નિયાઝની પૂછપરછ કરતાં તે એક વર્ષ અગાઉ મહેસાણા વોટરપાર્ક પાસે એસટી બસ હાઇજેક કરી આગડિયા પેઢીની લૂંટમાં પકડાયો હતો. પાટણની ઘટનામાં મળેલા હીરા તેમણે ખેરાલુના આશિષ વસંતભાઈ સોનીને વેચાણ આપ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે 14માંથી પાંચ શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂ.1.93 લાખના હીરા અને રૂ.28500ની રોકડ મળી રૂ.2,21,500નો મુદ્દામાલ રીકવર કરી બાકીના 9 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ લૂંટ કરવા અંકિત પ્રજાપતિ અને મુંબઈનો રુદ્ર બાઇક પર નીકળ્યા ત્યારે તેમના સાગરીતો ઇકો અને શિફ્ટ ગાડીમાં તેમની આસપાસમાં જ હતા. લૂંટ બાદ તેઓ સિદ્ધપુર અને મહેસાણા નાસી જઇ ઊંઝાના ભાંખર ગામે મળ્યા હતા. બીજા દિવસે નિયાઝખાન, વહાબ અને ઇમ્તિયાઝ તેમજ મુંબઈના ચાર શખ્સો મુંબઇ જતા રહ્યા હતા અને ત્યાં હીરા અને રોકડ ભાગ પાડ્યા હતા. બાદમાં ખેરાલુના આશિષ સોનીએ રૂ.2 લાખ આપી હીરા લઈ લીધા હતા.લૂંટની ટિપ્સ પાટણના ભાર્ગવ રાજેશ પટેલ અને મૂળ પાટણનો અને હાલ પાલનપુર ખાતે રહેતા નફીસે આપી હતી. બનાવ પહેલાં ત્રણ દિવસ રેકી કરી હતી. પોલીસ રેકી કરનારા શોધવામાં સફળતા મેળવી અન્ય આરોપીઓ સુધી પહોંચી છે.
 
પકડાયેલા આરોપી
1.નિયાઝ હયાતખાન પઠાણ (રહે. ખેરાલુ)
2.અંકિત બળદેવ પ્રજાપતિ (રહે.કડવાસણ)
3.રમઝુશા ઇબ્રાહીમશા ફકીર (રહે. ખેરાલુ)
4.ભાર્ગવ રાજેશભાઈ પટેલ (રહે. પાટણ)
5.આશિષ વસંતભાઈ સોની (રહે. ખેરાલુ)
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.