માતાની અંતિમવિધિ માટે અમદાવાદ જઇ રહી હતી પુત્રી, અકસ્માતમાં થયું મોત

સાણંદના સરખેજ –બાવળા હાઈવે પર આવેલા ચાચરાવાડી વાસણા ગામના પાટિયા નજીક મંગળવારે વહેલી સવારે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ ખાતેના જશોદાનગરમાં રહેતી માતાની અંતિમ વિધી માટે સુરેન્દ્રનગરના લીંબડીથી પતિ, જેઠ અને પરિવારના અન્ય સભ્યો સાથે નીકળેલી પુત્રી સહિત બે મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં પતિ, સાઢુભાઈ અને તેમના પરિવારના લોકો સહિત 9 લોકોને ઇજાઓ પહોંચતા તમામને 108 દ્વારા સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સામેથી આવેલી રહેલી એસ્ટીમ કારનું ટાયર ફાટતા તે ડિવાઇડર કૂદીને ઇકો કાર સાથે અથડાઇ હતી. ત્યારબાદ અન્ય એક કાર પણ ઇકો કારમાં પાછળથી ઘુસી જતા બંને કારમાંથી બે મહિલાના પ્રાણ પંખેરૂ ઘટનાસ્થળે જ ઉડી ગયા હતા. જ્યારે અકસ્માતથી હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
 
આ અંગે સંજયભાઈ જગમાલભાઈ સોંડલા (ભરવાડ) (રહે. કબીર આશ્રમ, લીંબડી, સુરેન્દ્રનગર)એ ફરિયાદ નોંધાવી છે કે, મારી સાસુ ગુજરી જતા મંગળવારે સવારે 4.30 વાગ્યે હું મારી પત્ની જનકબહેન તથા મારા સાઢુભાઈ વિઠ્ઠલભાઈ ધુળાભાઈ જોગરાણા અને તેમની પત્ની રાજુબહેન, વિઠ્ઠલભાઈના ભાઇઓ વશરામભાઈ ધુળાભાઈ તથા લક્ષ્મણભાઇ દુળાભાઇ જોગરાણા તથા મારા ભાભી ગામમાંથી ઇકો કાર લઇને અમદાવાદના જશોદાનગર તેઓની અંતિમ વિધીમાં સામેલ થવા માટે માટે નીકળ્યા હતા.
 
સંજયભાઈ જગમાલભાઈ સોંડલા (ભરવાડ)એ ફરિયાદમાં જણાવ્યું છેકે આ દરમિયાન બગોદરા-બાવળા થઇ સરખેજ તરફ જઇ રહ્યા હતા ત્યારે ચાચરાવાડી વાસણા ગામના પાટિયા પાસે સવારે 7 વાગ્યે અમદાવાદથી બાવળા તરફ એસ્ટીમ કાર રોડનું ડિવાઇડર કુદી એકદમ અમારી ઇકો કાર સાથે અથડાઇ હતી. ત્યારે અમારી કારના ડ્રાઇવરે એકાએક બ્રેક મારી હતી. આથી અમારી કારની પાછળ વેગનઆર કાર ધડાકેભેર અથડાઇ હતી.
 
આથી અમારી કારમાં સવાર તમામ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં મારી પત્ની જનકબહેનનું ઘટનાસ્થળે જ મોતી નીપજ્યું હતું. જ્યારે અમારી કાર સાથે અથડાયેલી અન્ય કારમાં સવાર કૈલાસબહેન કનુભાઈ ચૌહાણ (રહે. ચાંદલોડિયા, અમદાવાદ)નું પણ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણેય કારમાં સવાર અને ઇજાગ્રસ્ત અન્ય 9 લોકોને 108 દ્વારા સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાયા હતા પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તમામને વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. આથી આ અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બીજી બાજુ વહેલી સવારે બનેલાં અકસ્માતથી રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. રોડની બંને બાજુએ ગાડીઓની લાઇનો લાગી ગઇ હતી. આથી વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવહારને યથાવત કર્યો હતો. બીજી બાજુ માતાની અંતિમ વિધિમાં પહોંચે તે પહેલાં જ પુત્રીનું પણ મોત નીપજતા સંજયભાઈના સાસરિયા પક્ષ અને ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યા છે. આ સમાચાર મળતા જ બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. આવી જ રીતે કૈલાસબહેનના મોતથી ચાંદલોડિયાના રહીશોમાં પણ માતમ છવાઇ જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.