છેલ્લા 3 મહિનાથી ધોરણ 10 પાસ યુવાન છાપતો હતો ડૂપ્લિકેટ ચલણી નોટ

  સરકાર દ્વારા જે નવી ચલણી નોટો અમલમાં મુકાઇ છે તેની આબેહુબ નકલ કરી બનાવટી નોટો ચલણમાં ઘુસાડવાના કૌભાંડનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કરી જુનાગઢના બે શખ્સોને ધારીમાંથી કારમાં રૂા. 2.21 લાખની બનાવટી નોટો સાથે ઝડપી લીધા હતાં. આ શખ્સોએ અગાઉ પણ જુનાગઢના યુવાનને ડુબ્લીકેટ નોટ આપી હતી અને બીજી વખત આપવા જતા ઝડપાઇ ગયા હતાં. પોલીસે કલર પ્રિન્ટર, કાગળો વિગેરે વસ્તુઓ કબજે લીધી છે.
 
અમરેલી એલસીબીએ આજે ધારી પંથકમાંથી બનાવટી નોટ કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ કરી હતી. પેટ્રોલીંગ દરમિયાન ધારીના લાયબ્રેરી રોડ પર વિસાવદર તરફથી આવી રહેલી ઇકો વાન નં. જી જે 11 બીએચ 3640ને અટકાવી તલાશી લેતા તેમાંથી ડુપ્લીકેટ નોટો મળી હતી. મુળ મેંદરડા તાલુકાના દાતરાણા ગામનો અને હાલમાં જુનાગઢમાં વિશ્વકર્મા સોસાયટી, સનસાઇન પેલેસ, એફ-302માં રહેતો ધર્મેન્દ્ર પ્રફુલચંદ્ર ત્રિવેદી તથા મુળ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાનો અને જુનાગઢમાં વિશ્વકર્મા સોસાયટીમાં જ એફ-304માં રહેતો વિક્રમસિંહ કેશરસિંહ પવાર નામના શખ્સો આ બનાવટી નોટની હેરફેર કરી રહ્યા હતાં.
 
પોલીસની તલાશી દરમિયાન તેમની પાસેથી રૂા. બે હજારના દરની 53 નકલી નોટ ઉપરાંત રૂા. 500ના દરની 97, 200ના દરની 212, 100ના દરની 240, રૂા. 50ના દરની 6 તથા રૂા. 10ના દરની બે બનાવટી નોટ મળી આવી હતી. પોલીસને તેમની પાસેથી રૂા. 2,21,220/-ના મુલ્યની કુલ 610 બનાવટી નોટ મળી આવી હતી. આ ઉપરાંત રૂા. 3000ની કિંમતના બે મોબાઇલ, અઢી લાખની કિંમતની કાર વિગેરે મળી કુલ રૂા. 2.53 લાખનો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો.
 
પોલીસે તેમની પાસેથી બનાવટી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર તથા તે માટેના કાગળો અને કાતર જેવો સરસામાન પણ કબજે લીધો હતો. જુનાગઢ પંથકના આ બન્ને કૌભાંડીઓએ અગાઉ અમરેલી જીલ્લામાં રાજુલાના એક યુવાનને માત્ર રૂા. 30 હજારમાં એક લાખની બનાવટી નોટો આપી હતી અને બીજી વખત તેને નોટો આપવા જતા ઝડપાઇ ગયા હતાં. બન્ને શખ્સોને આગળની કાર્યવાહી માટે ધારી પોલીસના હવાલે કરાયા છે. બનાવટી નોટ કૌભાંડનો મુખ્ય સુત્રધાર ધર્મેન્દ્ર માત્ર ધો. 10 સુધી ભણેલો છે. જો કે લેપટોપ પર તે સારી રીતે કામ કરી જાણે છે. જ્યારે રાજસ્થાનનો વિક્રમ ડ્રાઇવીંગનો ધંધો કરે છે.
 
ધર્મેન્દ્ર ત્રિવેદી લેપટોપમાં કોઇ નોટની કોપી કરે પછી એક જ નંબરની અનેક નોટો છાપી નાખતો હતો. તેની પાસેથી બે હજારના દરની 78BU682965 નંબરની 52 નોટ મળી હતી. 500ના દરની 5LS847069 નંબરની 92 નોટ મળી હતી, 200ના દરની 6AB08266 નંબરની 95 નોટ હતી તથા 100ના દરની 8AG 632948 નંબરની 159 નોટ મળી હતી. પ્રિન્ટ કરતી વખતે તે એક સાથે જ 100કે તેથી વધુ નોટ છાપી નાખતો હતો.
 
નોટ કૌભાંડના મુખ્ય સુત્રધાર ધર્મેન્દ્ર પ્રફુલચંદ્ર ત્રિવેદી (ઉ.વ. 31)એ પ્રેમલગ્ન કર્યા છે. તેમની સામેના મકાનમાં રહેતા વિક્રમસિંહ કેશરસિંહ પવાર (ઉ.વ. 21)એ પણ પ્રેમલગ્ન કર્યા હતાં. જેથી બન્ને વચ્ચે દોસ્તિ જામી ગઇ હતી.
 
પોલીસની પ્રાથમિક પુછપરછમાં એવી વિગત ખુલી હતી કે ધર્મેન્દ્ર ત્રિવેદી છેલ્લા ત્રણેક માસથી બનાવટી નોટ છાપી રહ્યો હતો. શરૂઆતમાં 100 અને 200ના દરની બનાવટી નોટો છાપતો હતો. વિક્રમસિંહ પવાર સાથે ભાઇબંધી થતા તેને પણ આ નેટવર્કમાં જોડ્યો હતો.
 
જુનાગઢમાં વિશ્વકર્મા સોસાયટીમાં ધર્મેન્દ્ર ત્રિવેદી ઘરમાં જ નોટો છાપતો હતો. કલર પ્રિન્ટર તથા ઝેરોક્ષના કાગળોના બંડલની મદદથી તેણે આ નોટો છાપી હતી. 200 અને 100ના દરની તેણે આબેહુબ કલર કોપી કરી હતી. જો કે 500 અને બે હજારની નોટમાં ઓળખવો મુશ્કેલ થાય તેવો પણ થોડો ફરક રહેતો હતો.
 
બન્નેએ પોલીસને જણાવ્યુ હતું કે જુનાગઢની બજારોમાં તેમણે રૂા. 100 કે 200ના દરની નોટો મોટી સંખ્યામાં વટાવી હતી અને એ દરમિયાન વેપારીઓએ તેમની નોટો ક્યારેય ચેક પણ કરી ન હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.