મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે ભારે પવનને કારણે એક મોટું જાહેરાત હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા ધીરજ પ્રજાપતિ નામના યુવક પર હોર્ડિંગ પડતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.સ્થાનિક લોકોએ હોર્ડિંગ નીચે દટાયેલા ધીરજને બહાર કાઢ્યો હતો. તેમને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટના ન સર્જાય તે માટે મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે રસ્તા પર પડેલા હોર્ડિંગને કટરથી કાપીને દૂર કર્યું હતું. જિલ્લામાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ ઊડી હતી, જેનાથી વાહન ચાલકો અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી દુર્ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જે ચિંતાનો વિષય છે.