વર્કશોપમાં રાહત-બચાવની તાલીમ અપાઈ; ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ (GSDMA) અને કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર (CEEW) ન્યુ દિલ્હીના સંયુક્ત પ્રયાસથી રાજ્યના 10 શહેરો માટે હિટ વેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પાલનપુર, ઈડર અને રાધનપુર શહેર માટેનો હિટ વેવ એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રસંગે GSDMA ગાંધીનગર અને CEEW દિલ્હીના અધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચન સાથે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં શહેરી વિસ્તારમાં અસહ્ય ગરમી દરમિયાન રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. દરેક વિભાગની ભૂમિકા અને જવાબદારીઓ નિશ્ચિત કરવામાં આવી. આ એક્શન પ્લાનમાં લોકોને ગરમીની વિપરીત અસરોથી બચાવવા માટેના વિવિધ ઉપાયો સમાવવામાં આવ્યા છે. GSDMA એ જિલ્લા કક્ષાએ આ પ્લાનની અમલવારી માટે સૂચનાઓ જારી કરી છે. આ પહેલથી ગરમીની વિપરીત અસરોથી નાગરિકોને રક્ષણ મળશે અને આરોગ્ય સુરક્ષા વધુ સારી રીતે સુનિશ્ચિત થશે.