પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહિ અપાય તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી સરહદ પર જવાની આપી ચીમકી
કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આંતકવાદીઓ દ્વારા 28 જેટલા નિર્દોષ હિંદુઓના નિર્મમ હત્યા કાંડના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભર માં પાકિસ્તાન સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે પાલનપુરમાં સાધુ સંતો અને વિવિધ હિંદુ સંગઠનો દ્વારા આજે જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. જેમાં લક્ષ્મણ ટેકરી ખાતે સભા યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી પાકિસ્તાનની કાયરાના હરકત સામે આક્રોશ ઠાલવ્યો હતો. બાદમાં નીકળેલી રેલી દિલ્હીગેટ, સંજયચોક, ગુરુનાનક થઈને કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં જિલ્લા કલેકટર મિહિર પટેલને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં નહિ આવે તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી સરહદ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હોવાનું શ્રી 1008 મહા મંડલેશ્વર સ્વામી રાજેન્દ્રાનંદગિરિજીએ જણાવ્યું હતું.
જોકે, ગુરુનાનક ચોક ખાતે પોલીસકર્મીએ ડીજે બંધ કરાવતા શાબ્દિક સંઘર્ષ થયો હતો. જે અંગે કલેકટરને રજુઆત પણ કરાઈ હતી. આ જન આક્રોશ રેલીમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, સંતો- મહંતો, હિંદુ સંગઠનો સહિત હિંદુ સમાજે જોડાઈને પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ જતાવ્યો હતો.
ભાજપનું ભેદી મૌન; કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભાજપનું અકળાવનારું ભેદી મૌન ચર્ચાની એરણે ચડ્યું હતું. દેશમાં નાની મોટી ઘટનાઓ ટાણે પૂતળા દહન કરતો ભાજપનો યુવા મોર્ચો કે મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ કે શ્રદ્ધાંજલિ આપવા સુદ્ધાંનો કાર્યક્રમ ભાજપના બેનર તળે મહિલા મોરચા દ્વારા કે ભાજપની પરેન્ટ્સ બોડી દ્વારા પાલનપુરમાં યોજાયો નથી. આતંકી હુમલા બાદ પાલનપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. તો રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા પૂતળા દહન કે વિવિધ સંસ્થાઓ દ્વારા લાયન્સ હોલ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપ કે તેના મોરચા કે સેલ સીધી રીતે જોડાયા નથી. આમ, અપ્રત્યક્ષ રૂપે કાર્યક્રમોમાં જોડાનાર ભાજપના પદાધિકારીઓએ ભાજપના પોતાના બેનર તળે કાર્યક્રમ કરવાનું ટાળ્યું હતું. આ અંગે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઉપરથી સૂચના હોઈ કાર્યક્રમ કરાયા નથી. ત્યારે હિંદુત્વના પ્રખર પહેરી હોવાનો ડોળ કરતા ભાજપનું ભેદી મૌન ચર્ચાસ્પદ બન્યું છે.
આર્થિક બહિષ્કારની ચીમકી; ભારતમાં રહી ભારત માતા, ગૌ માતા કે તુલસી માતાને “માતા” ન સ્વીકારનાર અને આતંકી હુમલા બાદ પણ જેઓનું વલણ આંતકવાદ સાથે છે તેવા લોકોનો આર્થિક બહિષ્કાર કરવા હિંદુઓ ને આહવાન કરાયું હતું. તો વળી પાલનપુર આસપાસના ખેતરોમાં કામ કરતા રોહિગ્યા લોકોનો સર્વે કરી તેઓની પણ હકાલપટ્ટી કરવાની માંગ કરાઈ હોવાનું મહા મંડલેશ્વર રાજેન્દ્રાનંદગીરીજીએ જણાવ્યું હતું.


