હિંમતનગર; જુનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આર.કે. આંગડીયા પેઢીમાં દરોડો પાડ્યો આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂ. 50 લાખ જપ્ત કરવામાં આવ્યા જુનાગઢના ટોપ-25 લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા સામે તપાસ ચાલી રહી તે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી બનાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, હિંમતનગરની આર.કે. આંગડીયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કારીયાના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવતી હતી.
1 એપ્રિલથી 25 એપ્રિલ 2025 સુધીમાં કુલ રૂ. 92,10,150નું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું. ધીરેનના પુત્ર પરમ કારીયાએ એપ્રિલ માસમાં 9 વખત નાણાકીય વ્યવહારો કર્યા આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં તે રકમની ઉપાડ અને જમા કરાવવા આવતો જોવા મળ્યો. જુનાગઢ પોલીસે ધીરેન કારીયા સહિત 8 આરોપીઓ વિરુદ્ધ GCTOC એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઇન્દ્રધનુષ્ય કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીમાં નાયબ પોલીસ અધીક્ષક હિતેશ ધાંધલ્યા અને LCBની ટીમે તપાસ કરી હતી.
આ અંગે જુનાગઢ DYSP હિતેશ ધાંધલ્યાએ વાતચીતમાં જણાવ્યું હતું. કે, ધીરેન કારિયા જે દારૂની હેરાફેરી મોટા પાયે કરે છે અને જે ફરાર છે ત્યારે તેની સામે ગુજ્સીટોક મુજબ ગુનો નોધાયો છે. ત્યારે તેની તપાસમાં દારૂની હેરાફેરી માટેના રોકડ R.K.આંગડીયા પેઢીમાં હોવાનું સામે આવતા પેઢીમાં આવી રોકડ રૂ 50 લાખ કબજે લીધી છે. બીજી તરફ R.K.આંગડીયા પેઢીના પંકજ પટેલ અને ગૌતમ પટેલને જુનાગઢ હાજર રહેવા નોટીસ આપી છે. પોલીસે રોકડ સાથે એક મોબાઈલ પણ કબજે લીધો છે, જેને લઈને મોબાઈલની તપાસ થયા બાદ મોટા વ્યવહારો કરતા લોકોના નામ સામે આવી શકે છે.