એજન્ડાના 12 કામો પર સત્તાધારી અને વિપક્ષ ચર્ચા કરશે
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ, લાભ પાંચમ પછી અને સરદાર જયંતિ પૂર્વે, 30 ઓક્ટોબરે હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા ટાઉનહોલમાં યોજાશે. આ સભામાં એજન્ડામાં દર્શાવેલ 12 કામો અંગે સત્તાધારી અને વિપક્ષની હાજરીમાં ચર્ચા કરવામાં આવશે, જેના પર સત્તાધારી પક્ષ અંતિમ નિર્ણય લેશે.
ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સામાન્ય સભામાં ગત મીટિંગનું પ્રોસિડિંગ, કાર્યનોંધ અને વિવિધ કમિટીઓની કાર્યનોંધને વંચાણે લેવામાં આવશે. ત્યારબાદ બગીચા હેડવર્કસની ઓવરહેડ ટાંકીના મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન મેઈનને જોઈન્ટ આપવા માટે આવેલા લેબર ટેન્ડરના ભાવો મંજૂર રાખવા અંગે ચર્ચા કરાશે. માલ-સામાનના ભાવો અંગે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે.વધુમાં, મહેતાપુરાના ખાડા વિસ્તારના સંપ તેમજ કલેક્ટિંગ ચેમ્બરમાં જોઈન્ટ આપવા માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડર બાદ એજન્સીના ભાવો મંજૂર રાખી કામગીરી કરાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. ન્યાય મંદિર પાસે આવેલા ઓવરબ્રિજની પેરાફીટ ઉપર પાઈપલાઈન નાંખવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી લીધા બાદ સર્વે કરાવી ખર્ચનો એસ્ટીમેટ નક્કી કરી ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવા અંગે પણ ચર્ચા થશે.
સરકારની અમૃત-2 યોજના હેઠળ મહાવીરનગરથી મહેતાપુર વચ્ચે પાણીની પાઈપલાઈન નાંખવા માટે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે.આરોગ્ય વિભાગના જેસીબી, બ્રેકર, હિટાચી, કટર અને ટ્રેક્ટર ટ્રોલી ભાડે મેળવવા માટે આવેલા ભાવોને મંજૂર કરાયા હોવાથી, ટેન્ડરની શરત અનુસાર તેની મુદત એક વર્ષ વધારી આપવા અંગે નિર્ણય લેવાશે.સ્મશાન નિભાવ ગ્રાન્ટ અન્વયે ઝાડના થડિયા પાડવાની તથા વર્કસ કોન્ટ્રાક્ટના ધોરણે દવાઓ સપ્લાય કરવા માટે ઈ-ટેન્ડરિંગ પ્રોસેસના અંતે આવેલા ભાવો અંગે પણ ચર્ચા કરાશે.વિપક્ષના નેતા દ્વારા ગત 9 ઓક્ટોબરના પત્રથી મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 51/3 મુજબ રજૂ કરાયેલી પ્રશ્નાવલી સામાન્ય સભામાં રજૂ કરાયા બાદ તેના પર ચર્ચાને અંતે નિર્ણય લેવામાં આવશે.

