હિંમતનગર ગ્રામ્ય પોલીસે કિફાયતનગર બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસની બાતમીના આધારે નાકાબંધી દરમિયાન એક્ટિવા નંબર GJ.09.DP.3826 પરથી આરોપીને પકડવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપીની ઓળખ ઇડર તાલુકાના સુરપુર ગામના 22 વર્ષીય જૈનુલ આબીદ્દીન અબ્દુલહમીદ લુહાર તરીકે થઈ છે. તેની પાસેથી એક્ટિવાની ડિકીમાંથી 381.500 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 3,815 થાય છે. પોલીસે આરોપી પાસેથી બે લેપટોપ હાર્ડડિસ્ક, એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 81,815નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીને કોર્ટે 25 મે સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે ગાંજાનો સ્ત્રોત, સપ્લાયર અને વિતરણ નેટવર્કની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 મે ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસે એક અલગ કેસમાં રૂ. 19.52 લાખનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ કેસમાં બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને એક ફરાર છે. પકડાયેલા આરોપીઓને કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.