કેદારનાથથી ગુપ્તકાશી જતું હેલિકોપ્ટર વહેલી સવારે ક્રેશ : છ લોકોના કરુણ મોત

કેદારનાથથી ગુપ્તકાશી જતું હેલિકોપ્ટર વહેલી સવારે ક્રેશ : છ લોકોના કરુણ મોત

ગૌરીકુંડ નજીક વહેલી સવારે બનેલી દુર્ઘટના : NDRF અને SDRF ટીમો બચાવ કામગીરી માટે રવાના : મૃતકોમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રાળુઓ સામેલ હોવાની આશંકા

ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારોમાં આજે રવિવારે સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહેલું એક હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ સહિત કુલ છ લોકોના કરુણ મોત થયા છે, જેમાં પાંચ પુખ્ત વયના અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર પહાડી રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.પ્રાથમિક માહિતી અનુસાર, મીડિયા દ્વારા ટાંકવામાં આવેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહેલું હેલિકોપ્ટર ગુમ થયું હતું. ત્યારબાદ ઉત્તરાખંડના અધિક ડાયરેક્ટર જનરલ (ADG) કાયદો અને વ્યવસ્થા, ડો. વી. મુરુગેશને હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની પુષ્ટિ કરી હતી.

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર VTBKA/BELL 407 સવારે 5.20 વાગ્યે ગૌરીકુંડ નજીક ક્રેશ થયું હતું. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના રહેવાસીઓ હતા. આ સમાચાર મળતા જ ગુજરાતમાંથી યાત્રાળુઓ હોવાની આશંકાથી ચિંતા વ્યાપી છે.ઘટનાની જાણ થતા જ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ અને પહાડી વિસ્તાર હોવાને કારણે બચાવ અને રાહત કામગીરીમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે કેદારનાથ, જે ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં સ્થિત એક મુખ્ય યાત્રાધામ છે, તે તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને અણધારી હવામાન પરિસ્થિતિઓ માટે જાણીતું છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં હવાઈ દુર્ઘટનાઓ બની ચૂકી છે, જે યાત્રાધામના માર્ગ પર હવાઈ મુસાફરીની જોખમી પ્રકૃતિ દર્શાવે છે. આ દુર્ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *