દિવાળીના તહેવારને લઈ પાલનપુર શહેરમાં ખરીદીનો માહોલ છવાયો છે. જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં છેલ્લી ઘડીએ દિવાળી માટે ખરીદી કરવા આવેલા લોકોના ભારે ઘસારા વચ્ચે બજારોમાં રોનક જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે શહેરના મુખ્ય માર્ગો અને સિટીલાઈટ રોડ, સિમલા ગેટ, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. લોકો ફટાકડા, કપડા, સોનાચાંદી, ઘરગથ્થુ વાસણો અને ગિફ્ટ આઈટમ્સની ખરીદીમાં વ્યસ્ત રહ્યા હતા.
ખરીદદારોના વધેલા પ્રવાહને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકમાં પણ વધારો નોંધાયો હતો. શહેરના ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વધતા ટ્રાફિકને કાબૂમાં રાખવા માટે તત્પર જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારની ઉજવણીને લઈ સમગ્ર શહેરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયુ છે.

