ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ ; આ વર્ષે કેરળમાં ચોમાસાએ સમય પહેલા એન્ટ્રી કરી હતી. જેના પગલે મહારાષ્ટ્રમાં પણ સમય પહેલા ચોમાસાએ દસ્તક આપી હતી. જેના કારણે ઘણા શહેરોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. 5 દિવસમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
ટામેટા અને ડુંગળીના પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત
લાતુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી બગીચાઓ, ફળો, શાકભાજી અને પાંદડાવાળા શાકભાજીને અસર થઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાક પણ સંપૂર્ણપણે નાશ પામ્યા. ખેડૂતોના ટામેટા અને ડુંગળીના પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવાયો
વરસાદને કારણે ટામેટા અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. કુદરતે લણણીના સમયે ખેડૂતોના હાથમાંથી કોળિયો છીનવી લીધો છે. જેને પગલે ખેડૂતોને હવે નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી અને ખરીફ પાકના વાવેતરનો ખર્ચ કેવી રીતે પૂર્ણ કરવો એ સવાલ સતાવી રહ્યો છે. ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરવા અને તાત્કાલિક નાણાકીય સહાય આપવાની માંગ કરી છે.