નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર,તલાટી કમ મંત્રીઓને એલર્ટ રહેવાની સુચના
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં નવા નીર આવ્યા છે. નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. રેલ નદીના પાણી થરાદ તાલુકાના ડુવા સીમ વિસ્તારમાં પ્રવેશી ગયા છે. આ દૃશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. થરાદના અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. રેલ નદીના પાટામાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. ડુવા ગામના અગ્રણી અને ખેડૂત માંગીલાલ પટેલના જણાવ્યા મુજબ, ધાનેરા તરફથી આવેલા ભારે પાણી થરાદના ડુવા ગામમાં પહોંચ્યા છે. પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. ખેડૂતોએ પહેલેથી જ પાક લઈ લીધો હોવાથી કોઈ નુકસાન થયું નથી. સતત પાણી વહેવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશા છે.જ્યારે વિસ્તારના તલાટી કમમંત્રીઓને એલર્ટ રહેવાની પણ સુચના આપવામાં આવી છે. પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે.