બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સજ્જતા દાખવવામાં આવી છે અને દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ આજે ડીસા કંટ્રોલ રૂમ (02744- 222250) ની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ધારાસભ્ય પ્રવિણ માળીએ મામલતદાર સહિતના અધિકારીઓ સાથે વરસાદની સંભવિત પરિસ્થિતિ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખાસ કરીને જો અતિ ભારે વરસાદ પડે તો કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરવો અને લોકોને સુરક્ષિત રાખવા તે અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. મોડી રાતથી બનાસકાંઠામાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, ત્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.