રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સીકરમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા છે. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે.
હવામાન વિભાગે સિરોહી, સીકર, ટોંક, ઉદયપુર, બાડમેર, બિકાનેર, ચુરુ, હનુમાનગઢ, જેસલમેર, જાલોર, જોધપુર, નાગૌર, પાલી અને શ્રીગંગાનગર જિલ્લામાં 8 જુલાઈ સુધી ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત જયપુર, કોટા, ભામેરમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
મળતી માહિતી મુજબ, સીકર જિલ્લામાં શુક્રવારે સાંજથી શરૂ થયેલા મુશળધાર વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના લોસલ, ધોડ અને શ્રીમાધોપુર સહિત ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી તૂટક તૂટક ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. લોસલ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. લોસલ શહેરમાં સૌથી વધુ 68 મીમી વરસાદ નોંધાયો હતો.