વીડિયો વાયરલ થતા ધામની ગરિમા લજવાઈ, મંદિર ટ્રસ્ટ પગલાં ભરશે ?
બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાક સમયથી ભિક્ષુકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને અંબાજી મંદિરના ગેટ નંબર સાત સામે તો ભિક્ષુકોના ટોળેટોળા જોવા મળતા હોય છે.એટલું જ નહીં, તેમાં ભિક્ષુક મહિલાઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેઓ યાત્રિકોનો પીછો કરી લાંબા સમય સુધી તેમનો પીછો મૂકતા નથી. જ્યાં સુધી યાત્રિક ભીખ ન આપે ત્યાં સુધી તેમની પાછળ પાછળ જઈ તેમને હેરાન પરેશાન કરી નાખતા હોય છે.આમ, ભિક્ષુકોના ભારે ત્રાસ વચ્ચે એક અજીબો ગરીબ ઘટના પણ બનવા પામી છે.
અંબાજી મંદિરના દર્શન પથની બાજુમાં એક ભિક્ષુક મદારીના વેશમાં ભીખ માંગે છે. જેણે કથિત એક યુવતીની છેડતી કરી હતી.આ છેડતીની ઘટના બનતા લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો અને યુવતી પાસે માફી મંગાવી તેને જવા દીધો હતો. જો કે આ ભિક્ષુકે યુવતીના ખભા ઉપર હાથ નાખવાની ચેષ્ટા કરી હોવાની ઘટના વીડિયોમાં સામે આવી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો.જેથી ધામની ગરિમા લજવાઈ છે.
અંબાજી મંદિરના ગેટ નંબર સાત સામે જે ટોળાઓ બની અને ભિક્ષાવૃત્તિ કરતી મહિલાઓ છે તેઓ યાત્રિકોનો લાંબે સુધી પીછો કરી અને તેમનો ભીખ ન આપે ત્યાં સુધી પીછો છોડતી નથી અને હેરાન પરેશાન કરી નાખે છે તેથી અંબાજી મંદિરે આવતા યાત્રીકો અંબાજીની ખોટી છાપ લઈ જાય છે ત્યારે આવા તત્વોને મંદિરની આસપાસથી દૂર કરવા જોઈએ અને મંદિર ગેટ નંબર સાતની સામે ટોળા બનીને ઉભા રહેતા ભિક્ષુકોને ગેટથી 100 મીટર દૂર રાખવા જોઈએ. જેથી મંદિરમાંથી બહાર આવતા યાત્રીકો હેરાન પરેશાન ન થાય.તેવી લાગણી માઇભક્તોએ વ્યક્ત કરી હતી.ત્યારે હવે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આ બાબતે કેવા પગલાં ભરે છે ? તે જોવું રહ્યું.
માઈભક્તોની આસ્થાને ઠેશ….
અંબાજી ધામે દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો માતાજીના દરબારમાં માથું ટેકવવા આવે છે. અને સુવર્ણમય મંદિર નિહાળી ભાવવિભોર થાય છે. સરકાર પણ ધામના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. તેથી ધામનો ચોમેરથી હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. પણ ભિક્ષુકોની રંજાડથી ધામની ગરિમા ઝંખવાય છે. તેથી માઇભક્તોની આસ્થાને પણ ભારે ઠેશ પહોંચી રહી છે.

