સરહદી પંથકમાં એક હજારથી વધુ પશુના મોત, કરોડોના ચોમાસુ પાકોનો સફાયો તેમજ 500 થી વધુ કાચા – પાકા મકાનો જમીનદોસ્ત
ગત તારીખ 6 અને 7 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ -સુઇગામ પંથકમાં આવેલ વરસાદી ચક્રવાતનું જોર ભયાવહ બીપોરજોય વાવાઝોડાથી પણ વધુ હતું.સુઇગામ પંથકમાં 17 ઇંચ અને વાવ પંથકમાં પડેલા 14 ઇંચ વરસાદે વાવ તાલુકાના માડકા, ભાચલી, ભાટવર, ડેડાવા,ખરડોલ, અસારા, બુકણા, ગોલગામ, નાલોદર, રાછેણા, લોદ્રાણી, મોરીખા, વાઢીયાવાસ સહિત અસંખ્ય ગામો તેમજ સુઇગામ તાલુકાના ભરડવા, સુઇગામ, જલોયા, નડાબેટ, કોરેટી, બેણપ, મોરવાડા, રડોસણ, પાડણ, ગોલપ, નેસડા સહિત અનેક ગામો 4 થી 5 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે.ગામોમાં વીજ પુરવઠો સતત બંધ થઈ ગયો છે, રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે.ખેતી પાકો ખેદાન મેદાન થઈ ગયા છે, પશુઓ તણાવા સાથે અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.તેથી ચોમેર તારાજીના દ્રશ્યો સાથે નિસાસાના સૂર સાંભળવા મળી રહ્યા છે.
અમારા વાવ ખાતેના રિપોર્ટર વિષ્ણુ પરમારે પીડિત પરિવારોની મુલાકાત લેતાં જાણવા મળતી માહિતી મુજબ વાવથી 3 કી. મી.ના અંતરે વાઢીયાવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજના અધાણી પરિવારના 70 કુટુંબો હજીપણ 5 ફૂટ પાણીમાં છે.જ્યારે અસારા વાસના પ્રભુભાઈ ગણેશભાઈ રાજપૂતના જણાવ્યા મુજબ આ મેઘ તાંડવ 2015 કરતાં વધુ ભયકર હતું અમારી અસંખ્ય ગાયો અને ભેંસો અહીંથી સમલીના રણમાંથી પાકિસ્તાનમાં તણાઈ ગઈ છે.જ્યારે કેટલીય ગાયો ભેંસોના મૃતતદેહ હાલ સિમમાં રઝળી રહ્યા છે.
7 સપ્ટેમ્બરની ગોઝારી રાતે 1 વાગે મોતને નજર સમક્ષ જોયું હતું.પવન અને વરસાદની ગતિ વચ્ચે લાચાર બની ચારેતરફના રણ વચ્ચે ભગવાન ઉપર ભરોસો રાખી માંડ રાત ગુજરી હતી. જ્યારે માડકા ગામના રગાભાઈ વખતાભાઈ પારેગીએ જણાવ્યું હતું કે 8 તારીખની રાત્રીએ મારા ઘરમાં મોરીખા તરફથી પાણીનો પ્રવાહ અચાનક ઘરમાં ઘુસી જતા મારા દાદીનું અચાનક બ્લડપ્રેસર વધી જતા છાતીમાં દુખાવો ઉપડતાં કોઈ સહારો ન મળતા સ્થળ પર મોત નીપજ્યું હતું. 6 ફૂટ પાણી વચ્ચે મૃતદેહને ટ્રેક્ટરમાં વાવની સરકારી હોસ્પિટલમાં લાવી પીએમ કરાવી જવાબદાર તંત્રને લેખિત જાણ કરાઈ છે.

