સરકારી હોસ્પિટલ – ડાયાલિસિસ વિભાગે પૂર માનવ સેવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો
ભાભર તથા આસપાસના વિસ્તારમાં પૂરથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ભાભર સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગે પોતાની નિષ્ઠા અને સેવાભાવનાનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. કુદરતી આફતને કારણે અનેક જગ્યાએ અવરજવર મુશ્કેલ બની ગઈ હતી, છતાંયે હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના કર્મચારીઓએ દર્દીઓના જીવનને પ્રાથમિકતા આપીને સેવા કાર્ય અટકવા દીધું નહતું.
વિભાગના ડાયાલિસિસ ટેકનિશિયન તથા અન્ય સ્ટાફે સતત 36 કલાકની અવિરત કામગીરી કરીને કુલ 18 દર્દીઓને ડાયાલિસિસની આવશ્યક સેવા પૂરી પાડી છે. ડાયાલિસિસ જેવા મહત્વપૂર્ણ ઈલાજમાં થોડો પણ વિલંબ થાય તો દર્દીઓના જીવન પર જોખમ ઊભું થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં આરામ, કુટુંબ અને વ્યક્તિગત જરૂરિયાતોને સાઇડમાં રાખીને સ્ટાફે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે અવિરત પ્રયત્નો કર્યા. આ કાર્ય માત્ર ફરજની પૂર્તિ નથી પરંતુ માનવતાની સેવા અને ત્યાગનો પ્રેરણાદાઇ દાખલો છે. દર્દીઓ તથા તેમના પરિવારોમાં હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા અને વિશ્વાસ વધારે મજબૂત બન્યો છે.સરકારી હોસ્પિટલ પરિવારે ડાયાલિસિસ વિભાગના ટેક્નિશિયન અંકિતભાઈ અને મહેન્દ્રભાઈની આ સેવાભાવનાને બિરદાવી હતી.

