જિલ્લાવાસીઓને ગભરાવવાની નહિ સાવચેતી રાખવાની સલાહ: કોરોનાના વૈશ્વિક કહેર બાદ ચીનમાં ફરી એકવાર HMPV વાયરસે તબાહી મચાવતા દુનિયાના તમામ દેશો સતર્ક બન્યા છે. ત્યારે ભારતમાં પણ 7 જેટલા કેસો મળી આવતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. દરમિયાન, ગુજરાતમાં પણ એક કેસ મળી આવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં HMPV ને લઈને આરોગ્ય સહિતનું તંત્ર સજ્જ બન્યું છે.
કોવિડ-19 (કોરોના)એ વૈશ્વિક તબાહી મચાવતા દુનિયાભરના દેશોની ઇકોનોમી પ્રભાવિત થઈ હતી. કોરોના બાદ હવે ચીનમાં HMPV નામના વાયરસે દેખા દીધી છે. ચીનમાં HMPV વાયરસે કોહરામ મચાવ્યો છે. જેથી દુનિયાના અન્ય દેશો પણ સતર્ક બન્યા છે. ભારતમાં પણ HMPV એ દેખા દીધી છે. એમાંય વળી ગુજરાતમાં પણ એક બાળકમાં HMPV નો કેસ મળી આવતા આરોગ્ય તંત્ર સાવધ બન્યું છે. જોકે, ગુજરાતમાં એક કેસ મળી આવતા બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય તંત્રએ આગોતરું આયોજન હાથ ધર્યું છે. જેમાં જિલ્લાભરમાં ઓપીડી સમયે HMPV ના લક્ષણો ધરાવતા દર્દી મળી આવે તો તેને આઇસોલેશન વોર્ડમાં રાખવાની તાકીદ કરાઈ છે. કોરોના ટાણે અપાયેલી ગાઈડ લાઇન આ વખતે પણ આરોગ્યકર્મીઓને આપવામાં આવી છે.
ભારત સરકારની એડવાઇઝરી પ્રમાણે આરોગ્ય કર્મીઓને તાકીદ કરવામાં આવી છે. આ જિનેટિક સ્ટ્રક્ચર ધરાવતો વાઇરસ નથી. જેની સિન્ટોમેટિક સારવાર આપવાની સૂચના અપાઈ છે. લોકોને ભીડભાડથી દૂર રહેવા અને શરદી ખાંસીના કેસોમાં સત્વરે સારવાર લેવા જણાવાયું છે. જોકે, HMPV ને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ બનાવી સ્ટાફને સજ્જ કરાયો હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ HMPV વાયરસથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની સલાહ આરોગ્ય તંત્રએ આપી હતી.
પાલનપુર સિવિલમાં આગોતરું આયોજન: HMPV ને લઈને બનાસકાંઠામા તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 14 બેડનો વોર્ડ બનાવવામાં આવ્યો છે. આઈલોશેન અને વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે વોર્ડ તૈયાર કરાયો છે. આમ, પાલનપુર સિવિલ તંત્ર HMPV ના સંભવિત હુમલા સામે સજ્જ બની છે.
આરોગ્ય તંત્ર લકવાગ્રસ્ત?: બનાસકાંઠા જિલ્લામાં HMPV ને લઈને તંત્ર સજ્જ બન્યું છે. પણ જિલ્લાના જવાબદાર આરોગ્ય અધિકારી અપડાઉન કરતા હોઈ સાંજ બાદ આરોગ્ય તંત્ર લકવાગ્રસ્ત બની જતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આવી સંભવિત મહામારી ટાણે પણ આરોગ્યતંત્રના જવાબદાર અધિકારી હેડ કવાટર્સ પર હાજર રહેતા ન હોવા છતાં HRA લેતા હોવાની કાનાફુસી વચ્ચે આરોગ્ય તંત્ર સેનાપતિ વગરનું લશ્કર લડતું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. હાલમાં આરોગ્ય તંત્રમાં કોમવાદ, જ્ઞાતિવાદ સાથે અધિકારીઓના ફોલ્ડરિયાઓ વોચ ડોગ બની ફરતા હોઈ આરોગ્યતંત્રના કર્મનિષ્ઠ આરોગ્ય કર્મીઓ ત્રસ્ત બન્યા હોવાની રાવ ઉઠી છે.