પાલનપુર અને થરાદ ડેપોના ડ્રાઈવર કંડકટરો દ્વારા થતી જોહુકમી
વિભાગીય નિયામકના પરિપત્રની ઐસા કી તૈસી કરતા ડ્રાઈવર કંડકટરો; સિધ્ધપુર હાઈવે પર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી આવેલી છે. જ્યાં દૂર દૂરથી વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે પાલનપુર વિભાગીય કચેરીમાં આવતા પાલનપુર અને થરાદ ડેપો સંચાલિત બસોના ડ્રાઈવર કંડકટર દ્વારા વિધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની બુમરાણ ઉઠી છે. અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિધાર્થીઓને સિધ્ધપુર હાઈવે પર આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનું બસ સ્ટોપ નથી તેમ કહી થરાદ અને પાલનપુર ડેપોના કંડકટરો દ્વારા કનડગત કરવામાં આવી રહી છે. થરાદ ડેપો અને પાલનપુર ડેપો મેનેજરની નિષ્ક્રિયતાને કારણે વિધાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વિભાગીય નિયામકના પરિપત્રની ઐસા કી તૈસી કરી ડ્રાઈવર કંડકટરો પોતાની મનમાની કરી રહ્યા છે. વિધાર્થીઓની આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવી વિધાર્થીઓની લાગણી અને માગણી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની સંસ્થા હોવા છતાં અહીં અભ્યાસ માટે અપ ડાઉન કરતા વિધાર્થીઓ બસ સ્ટોપને લઈને પરેશાની ભોગવી રહ્યા છે જે ખરેખર શરમજનક બાબત છે.