‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વી.ડી ઝાલાએ ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા જણાવ્યું હતું કે, શહીદોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેમનું બલિદાન આપણો ગૌરવ છે. તિરંગા યાત્રા તેમના સ્મરણને નમન કરવાનો અને રાષ્ટ્રીય એકતા, ભાઈચારો તથા દેશપ્રેમનો સંદેશ ફેલાવવાનો પવિત્ર અવસર છે. તિરંગાની શાન જાળવવી એ આપણું કર્તવ્ય છે. આ યાત્રામાં શહેરના અનેક લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. હાથમાં તિરંગા સાથે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ તિરંગા યાત્રા હિંમતનગર ખાતેના કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટથી મહાવીરનગર ચાર રસ્તા થઈ છાપરિયા ચાર રસ્તા ખેડતસીયા રોડ, રામેશ્વર મંદિર થઈ, મોતીપુરા ગાંધી સર્કલ ખાતે પૂરી થઇ હતી. “હર ઘર તિરંગા…હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોમાં દેશપ્રેમ તથા સ્વચ્છતાની ભાવના વિકસે તે હેતુસર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગોની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.

